બનાસકાંઠાના વાવ-થરાદ આસપાસના સુઈગામ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી અત્યંત કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. અહીં એક સગા પિતાએ જ પોતાના અઢી (2.5) વર્ષના પિશાચી માનસિકતા ધરાવતા વલણથી પોતાના જ માસૂમ પુત્ર પર જ્વલનશીલ પદાર્થ છાંટીને તેને સળગાવી દીધો હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. પિતાની આ રાક્ષસી કરતૂતને કારણે સમગ્ર વિસ્તારમાં અરેરાટી સાથે ભારે આક્રોશ વ્યાપી ગયો છે.
સારવાર મળે તે પહેલાં માસૂમનું કરૂણ મોત
જ્વલનશીલ પદાર્થથી ગંભીર રીતે દાઝી જવાના કારણે માસૂમ બાળકને તબીબી સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. ઘટના બાદ ગુના પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને બાળકના મૃતદેહને દફનાવી દેવામાં આવ્યો હતો. જોકે, આ ગોઝારી ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સમગ્ર કૌભાંડ અને ક્રૂરતાનો ભંડાસફોડ થયો હતો. વીડિયો સ્થાનિક લોકો અને પોલીસ સુધી પહોંચતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.
