વાવ-થરાદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ અને નવયુવાનો તેના રવાડે ચઢી રહ્યાની પરિસ્થિતી ખરેખર ચિંતાજનક છે. પોલીસ ચેકપોસ્ટ પર તેની કામગીરી કરી રહી છે અને લગભગ દરરોજ દારૂ, એમડી ડ્રગ્સ, અફીણ જેવા નશીલા પદાર્થો સાથે શખ્સો ઝડપાઈ રહ્યા છે. પરંતું સવાલ એ થાય છે કે, જો ખરેખર આ કામગીરી ચોક્કસ પણે થઈ રહી હોય તો પછી જિલ્લામાં આટલી મોટી માત્રામાં નવયુવાનોને આવા નશીલા પદાર્થ મળે છે કઈ રીતે ?. જિલ્લા પોલીસવડાએ નશાખોરીને ડામવા કડક પગલાં ભરવા પડશે નહિંતર નવયુવાનો અને તેના પરિવારોની જીંદગી બરબાદ થઈ જશે. સાંસદના આક્ષેપ મુજબ જો નશીલા પદાર્થો ઘૂસાડવામાં પોલીસના જ કેટલાક કર્મીઓની સંડોવણી હોય તો જિલ્લા પોલીસવડાએ પહેલાં ઘરથી જ શરૂઆત કરવી પડશે.
રાજસ્થાન સરહદને અડીને આવેલા થરાદ પંથકમાં રોજિંદા બૂટલેગરો કે ડ્રગ્સ માફ્યિાઓ યેનકેન પ્રકારે વિદેશી દારૂ અને ડ્રગ્સ ઘુસાડી રહ્યા છે. જેમાં વાવ-થરાદ જિલ્લામાં નશાકારક પદાર્થોનું વેચાણ થતાં અસંખ્ય નવયુવાનો નશાના રવાડે ચડી જીવન બરબાદ કરી રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે. તાજેતરમાં સાંસદે પોલીસ પર નિશાન સાધી ગંભીર આક્ષેપો કર્યા હતા. જો ખરેખર સાચું હોય તો ખુબજ શરમજનક છે.
છેલ્લા કેટલાય સમયથી આંતરરાષ્ટ્રીય સરહદી સીમા ધરાવતા વાવ-થરાદ જિલ્લામાં વિદેશી દારૂ, એમડી ડ્રગ્સ, અફીણ, નશાકારક ગોળીઓનું વેચાણ થઈ રહ્યું હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. નશાખોરીના રવાડે ચડેલા 18 થી 25 વર્ષના કેટલાય નવ યુવાનો તેનો ભોગ બની ચૂક્યા છે. તાજેતરમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે સ્થાનિક પોલીસ પર તીર તાકીને એમડી ડ્રગ્સના વેચાણ પર પ્રતિબંધ મુકવા જિલ્લા પોલીસવડાને તાકીદ કર્યા હતા. થરાદને જિલ્લાનો દરજ્જો મળવા છતાં આ પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહી હોવાની ચર્ચાએ જોર પકડયું છે. બે દિવસ અગાઉ ખોડા ચેકપોસ્ટ તેમજ વાતડાઉ નજીકથી ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ, પોસડોડા સહિત એમડી ડ્રગ્સ સાથે યુવાનો ઝડપાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સુરત ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી હતી કે કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલતી હોય તો મને ટકોર કરજો હું ગણતરીના કલાકોમાં જ પ્રવૃત્તિને નેશ નાબૂદ કરી દઈશ. તો છેલ્લા કેટલાય સમયથી વાવ-થરાદ જિલ્લામાં નશાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. તો આ બાબતે એસએમસી સેલના ડીઆઈજી નિલિપ્ત રોય આ મુદ્દે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરે તો ચોકાવનારી વિગતો સાથે અનેક અધિકારીઓના પગ નીચે રેલો આવે તેમ છે.