રાજ્ય સરકાર દ્વારા કમોસમી માવઠાને કારણે થયેલા પાક નુકસાન માટે જાહેર કરાયેલા 'ઐતિહાસિક કૃષિ સહાય પેકેજ'ને લઈ વેરાવળ સહિત ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતો આ સહાયને પોતાના નુકસાન સામે અત્યંત મામૂલી અને 'મશ્કરી સમાન' ગણાવી રહ્યા છે.
ખર્ચ સામે મામૂલી સહાય
વેરાવળ તાલુકાના જુદા જુદા ગામના ખેડૂતો સાથેના સંવાદમાં તેમની વ્યથા સામે આવી છે. ખેડૂતોના કહેવા મુજબ, પાક તૈયાર કરવામાં તેમને એક હેક્ટરમાં ₹60,000 થી વધુનો ખર્ચ થયો છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા તેમને નુકસાન સામે માત્ર ₹22,000 ની મામૂલી સહાય જ આપવામાં આવી છે. ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે આટલી અપૂરતી રકમથી તેમને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવી અશક્ય છે.
ફસલ વીમા યોજનાનો મુદ્દો
ખેડૂતોએ આ સમયે એક મોટો મુદ્દો પણ ઉઠાવ્યો છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના (PMFBY) ગુજરાતમાં બંધ છે. ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે કે જો આ યોજના ગુજરાતમાં ચાલુ હોત, તો તેમને આટલા મોટા નુકસાન સમયે સરકારના અપૂરતા પેકેજ પર આધાર રાખવાને બદલે વધુ અને યોગ્ય રાહત મળી શકી હોત. અન્ય રાજ્યોમાં આ યોજના ચાલુ હોવાથી ગુજરાતના ખેડૂતો પોતાને અન્યાય થયાનું અનુભવી રહ્યા છે. સરકાર દ્વારા જાહેર કરાયેલું કૃષિ સહાય પેકેજ ખેડૂતોના મતે તેમના આર્થિક સંકટને હળવું કરવાને બદલે, તેમના રોષમાં વધારો કરી રહ્યું છે. ખેડૂતોની માંગ છે કે સરકારે નુકસાનના વાસ્તવિક ખર્ચના આધારે યોગ્ય સહાય પૂરી પાડવી જોઈએ અને બંધ પડેલી વીમા યોજનાને તાત્કાલિક પુનઃ શરૂ કરવી જોઈએ.









