ગીર સોમનાથના વેરાવળમાં ધમધમતા જુગારધામ પર સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC)ની ટીમે પાડેલા દરોડા અને ત્યારબાદ પોલીસ કાફલા પર થયેલા હડધૂત હુમલા તેમજ ફાયરિંગની ઘટનાને પગલે સમગ્ર રાજ્યનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આ ચકચારી મામલામાં એસએમસી દ્વારા નોંધાવવામાં આવેલા બે અલગ-અલગ ગુનાઓમાં સ્થાનિક પોલીસ પ્રશાસને અત્યંત કડક અને આકરી કાર્યવાહી હાથ ધરીને અત્યાર સુધીમાં કુલ 33 જેટલા માથાભારે આરોપીઓને દબોચી લીધા છે.
LCB, SOG, ડી-સ્ટાફનું સર્ચ ઓપરેશન
પોલીસ પર હુમલો કરનારા ગુંડા તત્વોને પાતાળમાંથી પણ શોધી કાઢવા માટે ગીર સોમનાથ એલસીબી (LCB), એસઓજી (SOG) તેમજ સ્થાનિક પોલીસના ડી-સ્ટાફની અલગ-અલગ ટીમો મેદાને ઉતારવામાં આવી છે. આ સંયુક્ત ટીમોએ રાતોરાત વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ખાસ મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પોલીસે જુગારધારાના ગુનામાં સંડોવાયેલા કુલ 34 આરોપીઓમાંથી 13 રીઢા જુગારીઓની કાયદેસરની ધરપકડ કરી લીધી છે.
