વડોદરાના ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને જોડતા સાબરમતી નદી પરનો બ્રિજ પણ મોટી દુર્ઘટનાને આવકારી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વર્ષ 1966માં બનાવવામાં આવેલો આ બ્રીજ અતિ જર્જરીત હાલતમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા બ્રિજની મરામત સહિત કોઈ ચોક્કસ કામગીરી ન કરાતા દિવસ રાત પસાર થતાં હજારો વાહન ચાલકો રાહદારીઓ સહિત મુસાફરો જીવના જોખમે મોતના બ્રિજ પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે.તંત્ર જર્જરીત બ્રિજ પર મરામત કામગીરીને બદલે રંગ રોગાન તેમજ થીગડાનું કામ કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યું છે.


[[$googlead]]

સાબરમતી નદી પરનો બ્રિજ અતિ જર્જરીત હાલતમાં

સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લાને જોડતો દેરોલ નજીક સાબરમતી નદી પરનો બ્રિજ અતિ જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યો છે.સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા સહિતના જિલ્લામાંથી અવર-જવર કરતા હજારો વાહન ચાલકો સહિત રાહદારીઓ તેમજ મુસાફરો સાબરમતી નદી પરના 60 વર્ષ કરતા પણ વધુ સમયના જુના મોતના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા છે.એક તરફ વડોદરા ખાતે બનેલી ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ સમગ્ર ગુજરાત રાજ્યના જર્જરીત તેમજ જુના બ્રિજોના ચકાસણી બાબતે રાજ્ય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું તંત્ર કુંભકરણની નિંદ્રામાં સૂતુ હોય તેમ 60 વર્ષ જુના જર્જરીત મોતના બ્રિજની મરામત કરવાને બદલે તેનું રંગ રોગાણ તેમજ થીગડાનુ કામ કરી લોકોના જીવ જોખમમાં મૂકી બ્રિજને રામ ભરોસે છોડી સંતોષ માની રહ્યું છે.

[[$alsoread]]

ઓવરલોડ વાહનોના કારણે સમગ્ર પુલ વાયબ્રેટીંગ થતો હોય છે

સામાન્ય રીતે સાબરકાંઠા તેમજ મહેસાણા જિલ્લામાંથી દિવસ રાત મુસાફરી તેમજ અવર-જવર કરનારા વાહનો સહિત ચાલકો, મુસાફરો તેમજ રાહદારીઓ મોતના બ્રિજ પરથી પ્રસાર થઈ રહ્યા છે.બ્રિજ ઉપરથી પસાર થતાં ઓવરલોડ વાહનોના કારણે સમગ્ર પુલ વાયબ્રેટીંગ થતો હોય છે. તંત્ર દ્વારા બ્રિજના સમરકામ કરવાની બદલે બ્રિજની બંને સાઈડમાં આવેલી પ્રોટકશન દિવાલ ઉપર રંગ રોગાન તેમજ થીગડાનું કામ કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો સહિત વાહન ચાલકોની માંગ છે કે 60 વર્ષ જુના બ્રિજ પરથી પ્રસાર થતાં વાહનો સામે પ્રતિબંધ લગાવવામાં આવે તેમજ નવીન બ્રિજ નું નિર્માણ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી રહી છે...

સાબરમતી નદી ઉપરનો બ્રિજ જૂનો અને જોખમભર્યો જાહેર થયો

આ ઉપરાંત વિજાપુર-હિંમતનગર સ્ટેટ હાઈવે 55 રોડ પર સાબરમતી નદી ઉપરનો બ્રિજ જૂનો અને જોખમભર્યો જાહેર થયો છે. બ્રિજની હાલની સ્થિતિને ધ્યાને લઇ ભારે વાહનોની અવરજવર માટે તાત્કાલિક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વાહનો માટે અન્ય વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. ગઈકાલે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સત્તાવાર જાહેરનામું બહાર પડાયું હતું. બ્રિજની કામગીરી પૂરતી થાય ત્યાં સુધી આ નિયમ લાગુ રહેશે.આ નિર્ણય જાહેરનામા રૂપે આજથી અમલમાં મૂકાયો છે.  

  • Follow us on: