વિરમગામની મહાત્મા ગાંધી સરકારી હોસ્પિટલ હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર આ હોસ્પિટલનો એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાત્રિના સમયે ફરજ પરનો તબીબી સ્ટાફ અને કર્મચારીઓ ઘોર નિદ્રામાં જોવા મળી રહ્યા છે. સબ-ડિસ્ટ્રિક્ટ કક્ષાની આટલી મોટી હોસ્પિટલમાં વહીવટી તંત્રની આવી ગંભીર લાપરવાહી સામે આવતા સ્થાનિક લોકો અને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
તંત્રની લાપરવાહી અને દર્દીઓની હાલાકી
વાયરલ વીડિયોના આધારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રાત્રિના સમયે ઈમરજન્સી સેવાઓ માટે પણ કોઈ જવાબદાર સ્ટાફ હાજર હોતો નથી. દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચે છે, ત્યારે કાં તો સ્ટાફ ગેરહાજર હોય છે અથવા તો ઊંઘતો ઝડપાય છે. વીડિયોમાં દેખાઈ રહેલા સુતેલા કર્મચારીઓને જ્યારે દર્દીના સગા દ્વારા જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે તેઓએ કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. આ પ્રકારનું અસંવેદનશીલ વર્તન સરકારી આરોગ્ય તંત્રની પોલ ખોલે છે.
