વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજની સભામાં પથ્થરમારાની ઘટના બની છે, તો ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સમગ્ર ઘટનામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પથ્થરમારાની ઘટનાએ રાજકીય તણાવમાં નવા પરિમાણ ઉમેર્યા

વિસાવદર વિધાનસભા માટે આગામી 19 જૂને યોજાનારી પેટા ચૂંટણીને લઈને ત્રિપક્ષીય સ્પર્ધા વચ્ચે રાજકીય ગરમાવો સતત વધતો જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પાર્ટીઓ દિનરાત પ્રચારપ્રસારમાં લાગી ગઈ છે. દરેક પક્ષ પોતાના પળાને વલણ આપતું મંડળ અને જાતિ આધારિત મતબેંક મજબૂત બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અગાઉ વિવિધ ગામોમાં શાંતિપૂર્ણ રીતે સભાઓ યોજાતી રહી હતી, પરંતુ ગત રાત્રે પિયાવા ગામે કોળી-ઠાકોર સમાજ માટે આયોજિત કોંગ્રેસની જાહેર સભા દરમિયાન અચાનક બનેલી પથ્થરમારાની ઘટનાએ રાજકીય તણાવમાં નવા પરિમાણ ઉમેર્યા છે.

વિસાવદરના પિયાવા ગામે પથ્થરમારાની ઘટના

કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, સભા દરમિયાન કેટલાક તત્વોએ ચર્ચામાં ખલેલ પહોંચાડવા પથ્થરમાર કર્યો હતો. પિયાવા ગામમાં કોળી-ઠાકોર સમાજના મતદારોને સંબોધવા કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરીયા સહિતના આગેવાનો ઉમટ્યા હતા. સભા ચાલી રહી હતી ત્યારે અચાનક કેટલાક અજાણ્યા શખ્સોએ સભા સ્થળે પથ્થરમાર શરૂ કર્યો હતો. આ હુમલામાં એક મહિલા માથામાં ગંભીર રીતે ઘવાઈ ગઈ હતી. ઘટનાસ્થળે હાજર કાર્યકરો અને સ્થાનિકોએ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ ખસેડી હતી.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

મહિલા લોહી લુહાણ હાલતમાં હોવાના દ્રશ્યો વાઈરલ થતાં આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે, કોંગ્રેસના નેતાનો ગંભીર આક્ષેપ છે કે, "પ્રચાર રોકવા માટે રાજકીય ષડયંત્ર છે અને કોળી ઠાકોર સમાજને દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે, ભવિષ્યમાં આવી અસામાજિક તત્વો દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવાની કોશિશ રોકવા તંત્રએ કડક કાર્યવાહી કરવી જોઈએ.