રાજ્યમાં હજી આગામી દિવસોમાં ગરમીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી અને તેની અસર યથાવત રહેશે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે.જેમાં સૌથી વધુ રાજકોટમાં 40 ડિગ્રી અને અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે। હાલમાં ઉત્તર-પશ્ચિમ દિશા તરફથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે ગરમીનું પ્રમાણ અને તેની અસર વધુ અનુભવાઈ રહી છે.
રાજકોટમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું
સૌરાષ્ટ્ર-કચ્છમાં આસો મહિનામાં પણ ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે.રાજકોટમાં ગરમીનો પારો સ્થિર થયો હોય તેમ મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર રહ્યું હતું તો ભુજ, નલીયા, કંડલા અને સુરેન્દ્રનગરમાં પણ પારો 39 ડિગ્રીને પાર થઈ ગયો હતો.ચોમાસાની વિદાય પછી હવામાન અસ્થિર થઈ ગયું છે નલીયા, પોરબંદરમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચી ગયું છે સાથે અમરેલી, મહુવા, કેશોદમાં પણ તાપમાન નીચું ઉતરતા હવે ધીમે પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું હોય તેવા એંધાણ મળી રહ્યા છે.સવારમાં હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ઓખા અને દ્વારકામાં 94 ટકા ભેજ થઈ જતા આ વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું. પોરબંદરમાં 38.6, કેશોદમાં 38.5, વેરાવળમાં 38.3, મહુવા-ભાવનગરમાં 36.8, અમરેલીમાં 36.7, દીવમાં 36.3, ઓખામાં 32.8 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
