હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાવાને કારણે ગરમીનું જોર વધશે અને ઉનાળા જેવી આકરી ગરમીની અસર અનુભવાશે.જેમાં રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદ, સુરત અને રાજકોટ શહેરમાં ઓક્ટોબરમાં શિયાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો ઊંચકાયો છે.આજે રાજ્યમાં મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં પણ ફેરફારની શક્યતા નથી.આગામી 19 ઓક્ટબર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 36થી 39 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.જ્યારે લઘુત્તમ તાપમાન 19થી 24 ડિગ્રીની વચ્ચે રહી શકે છે.
રાજકોટમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા
રાજકોટ શહેરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો ઊંચકાતા ગરમીની અસર વર્તાઈ રહી છે. છેલ્લા બે દિવસથી શહેરમાં 39 ડિગ્રી કરતાં વધુ તાપમાન નોંધાયું છે. બીજી તરફ અમરેલીમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજકોટના આજના હવામાન અંગે વાત કરીએ તો, આજે શહેરમાં મહત્તમ તાપમાન 39 અને લઘુતમ તાપમાન 25 ડિગ્રી સુધી રહી શકે છે. અમદાવાદની વાત કરીએ તો, મહતમ 39 અને લઘુતમ 24 ડિગ્રી તાપમાન રહી શકે છે. વડોદરામાં પણ મહતમ 37 અને લઘુતમ 24 ડિગ્રી સુધીનું તાપમાન રહી શકે છે.
સુરત શહેરમાં ઓક્ટોબરમાં ગરમીએ રેકોર્ડ તોડ્યો
સુરત શહેરમાં ઓક્ટોબર હીટ આક્રમક બનતાં શહેરીજનો અસહ્ય ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.માત્ર એક જ દિવસમાં તાપમાનનો પારો દોઢ ડિગ્રીનો વધારો નોંધતાં મહત્તમ તાપમાન 38.1 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.પાછલા બે વર્ષ-2021 અને 2022ના ઓક્ટોબર માસના મહત્તમ તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે.હવામાન વિભાગના પાછલા આઠ વર્ષના આંકડા તપાસતાં આ બીજી વખત બન્યું છે જ્યારે ઓક્ટોબરમાં પારો 38 ડિગ્રીની સપાટી વટાવી ગયો છે.આ પૂર્વે વર્ષ 2012માં સર્વોચ્ચ 38.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું જે હજી પણ ઓલ ટાઈમ ઓલટાઇમ હાઈ રેકોર્ડ છે. શહેરમાં બપોરની સાથે રાતના વાતાવરણમાં પણ ગરમાવો વધ્યો છે.લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું હતું,જેથી રાત્રિ દરમિયાન પણ લોકોને એસીનો સહારો લેવો પડી રહ્યો છે.
કચ્છમાં પણ દિવસે ગરમીનો અહેસાસ
કચ્છમાં મહત્તમ તાપમાન વધતાં દિવસે તાપનો અનુભવ થઈ રહ્યો છે તો બીજી તરફ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં વહેલી સવારે શીતળતા પ્રસરી રહી છે.ગરમી, ઠંડી, ઝાકળ અને પવનના મિશ્ર પ્રભાવ વચ્ચે કચ્છીમાડુઓ હાલ બદલાતા ઋતુચક્રનો અનુભવ કરી રહ્યા છે.જિલ્લાના ચાર મહત્વના મથકોમાં નોંધાયેલા તાપમાન મુજબ ભુજમાં મહત્તમ 39.3 અને લઘુતમ 24.6 ડિગ્રી, નલિયામાં મહત્તમ 36 ડિગ્રી અને લઘુતમ 23 ડિગ્રી,કંડલા પોર્ટમાં મહત્તમ 37 ડિગ્રી અને લઘુતમ 26.5 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં મહત્તમ 37.6 ડિગ્રી તેમજ લઘુતમ 24.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ પણ વાંચોઃ Gandhinagar News: રાજ્યના 4 સરકારી વિભાગોએ બજેટનો પૂરતો ખર્ચ કર્યો જ નહીં, જાણો કયા વિભાગે વધુ ખર્ચ કર્યો