ગુજરાતમાં હાલ મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. રાજ્યમાં હાલમાં 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે અને મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ અનુસાર ખાસ કરીને નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને દમણ જેવા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે.
હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી
ગુજરાતમાં વહેલી સવારે સહેજ ઠંડી અને દિવસ દરમિયાન આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જ્યારે રાત્રે પણ ઠંડીની અસર અનુભવાય છે. આગામી બે દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી બે દિવસ ત્રણ ઋતુનો અનુભવ થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ છે. બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય તેવી વિગતો પણ સામે આવી છે.
