ગુજરાતમાં બે દિવસ વરસાદ થયા બાદ ચોમાસુ નબળુ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ગરમી અને બફારાને કારણે લોકો હેરાન થઈ રહ્યાં છે. ત્યારે રાજ્યમાં આગામી સપ્તાહમાં ઓછા વરસાદની સંભાવના છે. ગરમી અને ઉકળાટનું જોર વધશે. હવામાન વિભાગે હાલમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતાં ગરમીનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે.
ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ
ગુજરાતમાં 20 ટકાથી વધારે વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે. અલનીનોની અસરને કારણે ગુજરાતમાં ઓછા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. જ્યારે ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી ત્રણથી ચાર દિવસ ઉત્તર અને પૂર્વ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ અને બિહારમાં પણ ભારે વરસાદ થઈ શકે છે. આજે મેઘાલયમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. જ્યારે સિક્કિમમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે.
