ગુજરાતમાં અલનીનોની અસરને કારણે વરસાદ ખેંચાયો હોવાનું કહેવામાં આવે છે. વરસાદની વિદાય બાદ રાજ્યમાં ગરમી અને ઉકળાટની અસર વર્તાઈ રહી છે. વહેલી સવારે સહેજ ઠંડી અને ત્યાર બાદ મોડી સાંજ સુધી ગરમીની અસર જોવા મળી રહી છે. ત્યારે હવે વરસાદની કોઈ શક્યતાઓ નહીં હોવાથી હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરવામાં આવી છે.
રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય રહેવાની સાથે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. પરંતુ ઉત્તર-પશ્ચિમથી ઉત્તર દિશા તરફના પવનો ફૂંકાવા અને રાજ્ય પર એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધ્યું છે.જેના ભાગરૂપે અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે 39.6 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું અને આજે પણ ત્યાં ગરમીનું જોર વધુ રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં મિશ્ર માહોલ
સૌરાષ્ટ્ર-કચ્છના હવામાનમાં મિશ્ર માહોલ છવાયો છે. સવારે ધુમ્મસ બાદ બપોરે આકરા તાપથી ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.રાજકોટ શહેર રાજ્યમાં લગાતાર ત્રીજા દિવસે હોટેસ્ટ સિટી બન્યું છે.જ્યારે કચ્છના નલીયામાંથી શિયાળાની ધીમા પગલે શરૂઆત થતી હોય તેમ લઘુતમ તાપમાનમાં બે ડિગ્રી સુધી નીચે સરકી 21 ડિગ્રીએ સ્થિર થયું છે.રાજકોટ શહેરમાં આજે ગરમીનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે.શહેરમાં લઘુતમ તાપમાન 23.6 ડિગ્રી સાથે સવારે હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા થઈ ગયું હતું શહેર કરતા ગ્રામ્ય વિસ્તારમાં ધુમ્મસ છવાયુ હતું મધ્યાહન થતાની સાથે જ શહેરીજનોએ ઉનાળા જેવા તાપની અનુભૂતિ કરી હતી અને ગરમીનો પારો 39.6 ડિગ્રી નોંધાયો હતો.
ભેજના મિશ્રણથી ડબલ ઋતુનો અનુભવ
સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટા વચ્ચે ગરમીનો પારો સડસડાટ વધીને 37.2 ડિગ્રીએ પહોંચી જતાં ઓક્ટોબર માસની શરૂઆતમાં જ ગત વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે.હવામાન વિભાગના સત્તાવાર આંકડા અનુસાર આજે મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે ગત વર્ષ 2025ના સમગ્ર ઓક્ટોબર માસના સર્વોચ્ચ 37 ડિગ્રી કરતાં વધુ નોંધાયું છે.પરિણામે બપોરપોરે અંગ દઝાડતી ગરમી અને બફારાથી જનજીવન ત્રસ્ત બન્યું છે.હાલ આકાશ સ્વચ્છ હોવાથી સીધા સૂર્યકિરણો અને ભેજના મિશ્રણથી ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ Sandesh Digital Explainer: પ્રથમ નવરાત્રિએ અંબાજીના મોહનથાળને GI ટેગનુ સર્ટિફિકેટ મળશે, જાણો શું ફાયદો થશે?