નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા આફતના વરસાદને કારણે ફરી એકવાર પૂરનું ગંભીર સંકટ ઊભું થયું છે. જિલ્લાની મુખ્ય ત્રણેય નદીઓ અંબિકા, કાવેરી અને પૂર્ણામાં ભયાનક ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી છે, જેના કારણે નીચાણવાળા અને દરિયાકાંઠાના વિસ્તારો જળબંબાકાર થઈ ગયા છે. પૂર્ણા નદીના પાણી નવસારી શહેરમાં ઘૂસી જતાં શહેરના શાંતાદેવી રોડ, બંદર રોડ, કાશીવાડી અને કાછિયાવાડી જેવા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું
બીજી તરફ, લોકમાતા કાવેરી અને અંબિકા નદીઓએ પણ માઝા મૂકતાં બીલીમોરા શહેરમાં પૂરના પાણી ફરી વળ્યા છે. બીલીમોરાના દેસરા, વાડિયા શિપયાર્ડ, ગિરિરાજ સોસાયટી અને રામજી મંદિર વિસ્તાર સહિત ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પરિસ્થિતિ અત્યંત કપરી બની ગઈ છે. જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે લોકોના ઘરો અને વેપાર-ધંધામાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
