રાજ્યમાં હવામાનમાં અચાનક પલટો આવવાથી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને માવઠું ખાબક્યું છે. રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં બપોર બાદ વાતાવરણ પલટાતા સાંજ પડતાંની સાથે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના કેશોદ ગ્રામ્ય પંથક જેમ કે મોવાણા, પીપળી અને કેવદ્રામાં લાંબા વિરામ બાદ વરસાદી ઝાપટાં પડ્યા હતા. પોરબંદરના બરડા પંથકમાં ભારે બફારા બાદ રાણાવાવના બિલેશ્વર સહિતના ગામોમાં વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતાનું મોજું

ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામે તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું તાંડવ જોવા મળ્યું હતું, જ્યાં ભારે પવનને કારણે વાડી વિસ્તારમાં ખેડૂતનાં મકાનનાં છાપરાં ઉડી ગયા હતા અને પેટ્રોલ પંપને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું. માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ઉત્તર ગુજરાત અને અન્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદે ચિંતા વધારી છે.

Unseasonal rains wreak havoc in Gujarat

સાબરકાંઠા અને અમરેલીમાં પણ માવઠાની એન્ટ્રી

સાબરકાંઠાના વડાલી શહેર તથા રહેડા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેવી જ રીતે અમરેલી જિલ્લાના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારો જેમ કે ડેડાણ અને ચકરાવા સહિતના પંથકોમાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.

ખેડૂતોના તૈયાર પાક પર સંકટ અને ચિંતાનું મોજું

વિવિધ વિસ્તારોમાં પડેલા આ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે. હાલ ખેતરોમાં કપાસ, મગફળી, સોયાબીન અને શાકભાજી સહિતનો તૈયાર પાક લણણી (કાપણી) કરવાની તૈયારીમાં હતો, તે સમયે જ વરસાદનું વિઘ્ન નડતા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. લાંબા સમયની મહેનત બાદ હાથમાં આવેલો પાક બગડવાની આશંકાથી અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો