સુરત મહાનગરપાલિકા દર વર્ષે ચોમાસા પહેલા ડ્રેનેજ લાઈનોની સફાઈ અને લાઈન ડિસ્ટ્રિબ્યુશન માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ દર વર્ષે પળવારમાં છતી થઈ જાય છે. આજે સુરત શહેરમાં હવામાન પલટાતાની સાથે જ કાળાડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આ વરસાદે સમગ્ર શહેરમાં ઠંડક તો પ્રસરાવી, પરંતુ સુરતના મહત્વના ઔદ્યોગિક વિસ્તાર એવા ખટોદરા GIDC માટે આ આફત બનીને આવ્યો હતો.


ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ બન્યા સ્વિમિંગ પૂલ

ખટોદરા જીઆઈડીસીમાં વરસાદ શરૂ થયાના માત્ર 15 જ મિનિટમાં રોડ-રસ્તાઓ પર પૂર જેવા દ્રશ્યો સર્જાયા હતા. ડ્રેનેજ અને કેચપીટ ચોકઅપ હોવાના કારણે વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થઈ શક્યો ન હતો. જેને પગલે લાખો લીટર પાણી રસ્તાઓ પર જમા થઈ ગયું હતું. આ વિસ્તારમાં ટેક્સટાઈલ, એમ્બ્રોઈડરી અને અનેક લઘુ ઉદ્યોગોના કારખાના આવેલા છે, જ્યાં પાણી ભરાઈ જવાના કારણે શ્રમિકો અને વેપારીઓની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી. કેટલાય ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનો પાણીમાં બંધ પડી જતાં ભારે ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી.

સુરત મનપાના એક્શન પ્લાન સામે સવાલો

આ નબળી નિકાલ વ્યવસ્થાને કારણે સ્થાનિક લોકો અને ફેક્ટરી માલિકોમાં તંત્ર વિરૂદ્ધ ઉગ્ર આક્રોશ ફાટી નીકળ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે પ્રી-મોન્સૂન કામગીરીના નામે માત્ર કાગળ પર જ સંતોષ માનવામાં આવ્યો છે, જેને કારણે સામાન્ય વરસાદમાં પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. સોશિયલ મીડિયા પર પણ ખટોદરાના પાણી ભરાયેલા વીડિયો ડિજિટલ પ્લેટફોર્મ પર વાયરલ થતાં સુરત મનપાની ‘સ્માર્ટ સિટી’ ની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આગામી દિવસોમાં જો વધુ વરસાદ પડશે તો શહેરના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ વધુ વણસી શકે છે તેવી દહેશત વર્તાઈ રહી છે.

આ પણ વાંચો: Tapi: વ્યારા પંથકમાં કાળાડિબાંગ વાદળો વચ્ચે વરસાદ, અસહ્ય ઉકળાટ બાદ લોકોને મળી મોટી રાહત

  • Follow us on: