નવસારી અને ગીર સોમનાથ બાદ હવે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરતમાં પણ પ્રી-મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ છે. સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનનો પારો ઊંચો જતાં અને ભેજનું પ્રમાણ વધતાં નાગરિકો અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ગયા હતા. આ દરમિયાન આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશ વાદળછાયું બન્યા બાદ વરસાદનું આગમન થયું હતું.
સુરતમાં મેઘરાજાની એન્ટ્રી
શહેરના મુખ્ય ટેક્સટાઇલ અને રેસિડેન્શિયલ વિસ્તારો એવા પાંડેસરા, ઉધના, અને પર્વતપાટિયા સહિતના પંથકોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. લાંબા સમયના પ્રચંડ ઉકળાટ બાદ વરસાદના આ પ્રથમ ઝાપટાં પડતાં જ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
