સુરત જિલ્લામાં ગત મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જોતજોતામાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. મધરાત્રે અંદાજે 1 વાગ્યાની આસપાસ શરૂ થયેલા ભારે પવનના વાવાઝોડા અને વીજળીના ભયાનક કડાકા-ભડાકા સાથે મેઘરાજાએ તોફાની એન્ટ્રી કરી હતી. શહેરના અડાજણ, પાલ, કતારગામ, વરાછા અને ઉધના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટાં પડ્યા હતા.
ઉકળાટનો અંત પણ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
મે મહિનાના અંત ભાગમાં સુરતમાં તાપમાન અને બફારાનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતું, જેથી રાત્રિના સમયે આ વરસાદ પડતાં જ સમગ્ર વાતાવરણ આહલાદક અને ઠંડુગાર બની ગયું છે. જોકે, આ ખુશી લાંબો સમય ટકી શકી નથી કારણ કે સુરત જિલ્લાના ઓલપાડ, બારડોલી, મહુવા અને ચોર્યાસી તાલુકાના ખેડૂતો માટે આ વરસાદ ચિંતાની આફત લાવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં તેજ પવનના કારણે આંબા પરથી કેરીઓ ખરી પડી છે, તેમજ માર્કેટમાં વેચવા માટે તૈયાર રાખેલા ઉનાળુ પાકને પણ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના છે.
ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ગુલ થવાની સમસ્યા
ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે જિલ્લાના કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં લાઈટ ડૂલ થઈ જવાના પણ અહેવાલો મળ્યા છે. પવનને કારણે વીજલાઇનો પર ઝાડની ડાળીઓ તૂટી પડતાં વહેલી સવાર સુધી લાઈટો બંધ રહી હતી, જેને દુરસ્ત કરવા 'ડીજીવીસીએલ' (DGVCL) ની ટીમો યુદ્ધના ધોરણે કામે લાગી છે. એકંદરે, આ કમોસમી વરસાદે સુરત જિલ્લાને ગરમીથી રાહત તો અપાવી છે, પરંતુ પ્રી-મોન્સૂન તંત્રની સજ્જતા સામે સવાલો પણ ઉભા કર્યા છે.
આ પણ વાંચો: Valsad: પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતાં આંબાવાડીઓમાંથી કેરીઓ ખરી પડી









