મધ્ય ગુજરાતમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ત્રાટકેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. છેલ્લા 48 કલાકથી શરૂ થયેલા તોફાની પ્રી-મોન્સૂન વરસાદે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. પવનની ગતિ એટલી તીવ્ર હતી કે કાચા મકાનોના પતરાં હવામાં ઉડ્યા હતા અને અનેક પાકા બાંધકામો પણ ધરાશાયી થયા છે. આ મિની ચક્રવાત મધ્ય ગુજરાતના પરિવારો માટે કાળ સાબિત થયો છે, જેમાં બે અલગ-અલગ જગ્યાએ બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે.

વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું

પ્રથમ હૃદયદ્રાવક ઘટના નર્મદા જિલ્લાના લાછરસ ગામેથી સામે આવી છે, જ્યાં ભારે પવનના કારણે મકાનનો સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક 11 વર્ષની માસૂમ બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજી ઘટના નસવાડી પંથકમાં બની હતી, જ્યાં ખેત મજૂરી અથવા અવરજવર કરી રહેલા અરવિંદ તડવી નામના વ્યક્તિ પર તોતિંગ તાડનું ઝાડ અચાનક તૂટી પડ્યું હતું. ઝાડના વજન નીચે કચડાઈ જવાથી અરવિંદ તડવીનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

લીમખેડામાં મકાન ધરાશાયી

બીજી તરફ, દાહોદ જિલ્લાના લીમખેડામાં વાવાઝોડાના કારણે એક આખું મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મકાન કડડભૂસ થતાં ઘરના 8 લોકો કાટમાળ નીચે દબાયા હતા, જેમને સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા છે. વડોદરા શહેરમાં પણ પવનનો આતંક જોવા મળ્યો હતો, જ્યાં પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટી ના મુખ્ય ગેટ પાસે એક વિશાળકાય વૃક્ષ ઉખડીને ગેટ પર પડ્યું હતું, જેના કારણે યુનિવર્સિટીનો ઐતિહાસિક મુખ્ય ગેટ પણ ધરાશાયી થઈ ગયો હતો. સમગ્ર મધ્ય ગુજરાતમાં ઠેર-ઠેર વીજળી ગુલ થઈ ગઈ છે અને હજારો વૃક્ષો રસ્તા પર પડતાં વાહનવ્યવહારને ભારે અસર પહોંચી છે.

આ પણ વાંચો: Bhavnagar News: પાલીતાણાના નાની રાજસ્થળી ગામમાં સિંહબાળ સાથે સિંહણની લટાર