નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત અને ભયાનક પૂરને કારણે ભારે જાનમાલનું નુકસાન થયું છે. આ જળપ્રલયમાં અનેક સ્થાનિક નાગરિકો તેમજ અન્ય દેશોમાંથી આવેલા પ્રવાસીઓ ગુમ થયા છે અને કેટલાકના મોત નીપજ્યા છે. આ આફતમાં ગુજરાતના પણ 18 જેટલા યાત્રીઓ લાપતા થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સ્વજનો સાથે સંપર્ક તૂટી જતાં વડોદરા અને અમદાવાદ સહિતના વિવિધ વિસ્તારોના પરિવારો ભારે ચિંતામાં મુકાયા છે અને સરકાર પાસે ઝડપી શોધખોળની માંગ કરી રહ્યા છે.

નેપાળ પૂરમાં ગુમ થયેલા લોકોની યાદી

https://epapercdn.sandesh.com/images/2026/08/27/7bHzKYuVuhQMHiUf2LOdguopS6cteGRRKVky2dz1.pdf

નેપાળમાં સર્જાયેલી કુદરતી હોનારત બાદ ગુજરાતના વિવિધ જિલ્લાઓના અનેક નાગરિકો સાથે સંપર્ક વિહોણો થતાં તેમના પરિવારોમાં ઘેરી ચિંતા વ્યાપી ગઈ છે. જેમાં અમદાવાદના અશોકભાઈ કાપડી, વડોદરામાં ચિરાગભાઈના બે સ્વજનો, આણંદના બિમલકુમાર અને જૈમિનાબેન, તેમજ રાજકોટના જય દિનેશ કોટેચા હજુ સુધી લાપતા છે. આ ઉપરાંત સુરતના પરેશભાઈ, જ્યોતિબેન અને મીનાક્ષીબેન, ખેડા-નડિયાદના ઉમેશભાઈ, આકાંક્ષાબેન અને ઈશાન તથા ગાંધીનગરના ભાવિનકુમાર રાવલ સહિત ચાર લોકોનો કોઈ પત્તો ન મળતાં રાજ્યભરમાંથી ગુમ થયેલા તમામ લોકોની સલામત વાપસી માટે પરિવારો સરકાર પાસે તાત્કાલિક મદદની ગુહાર લગાવી રહ્યા છે.

વિદેશ મંત્રાલય (MEA) દ્વારા 288 ગુમ ભારતીયોના આંકડા જાહેર

ભારતીય વિદેશ મંત્રાલય (MEA) દ્વારા નેપાળમાં ફસાયેલા અને ગુમ થયેલા ભારતીયો અંગેની સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં કુલ 288 ભારતીય નાગરિકો ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે ગુમ થયેલા તમામ ભારતીયોની સ્થિતિ અને લોકેશન ટ્રેક કરવા માટે તેમને અલગ-અલગ પાંચ જૂથોમાં વર્ગીકૃત કરીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે.

https://x.com/ANI/status/2092907510009323899?s=20

ત્રિશુલી પ્રોજેક્ટના કર્મચારીઓ અને કૈલાશ યાત્રીઓની શોધખોળ તેજ

મંત્રાલયના આંકડા મુજબ, નેપાળના ત્રિશુલી પાવર પ્રોજેક્ટમાં કાર્યરત 73 કર્મચારીઓ હાલ લાપતા છે. આ ઉપરાંત, કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા તમિલનાડુના 37 અને 49 લોકોના બે અલગ-અલગ જૂથો, પશ્ચિમ બંગાળના 32, કેરળના 33 અને અન્ય રાજ્યોના 61 ભારતીયોનો પણ કોઈ સંપર્ક થઈ શક્યો નથી. નેપાળ સ્થિત ભારતીય એમ્બેસી અને સ્થાનિક બચાવ ટુકડીઓ દ્વારા હેલિકોપ્ટર તેમજ ગ્રાઉન્ડ ટીમની મદદથી આ તમામ નાગરિકોને સલામત શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Dahodના ગરબાડામાં પોલીસનું હાઈટેક પેટ્રોલિંગ, ચોરી અટકાવવા ડ્રોન કેમેરાથી થશે હવાઈ સર્વેલન્સ