- અરજદાર વિદ્યાર્થિનીએ તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટી રજૂ કર્યા: હાઈકોર્ટ
- હેન્ડબુક અને સુચનામાં અસ્પષ્ટતાના અભાવે NIDએ વલણ બદલ્યું
- અરજદાર પાસે માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી: NID
ગુજરાત હાઈકોર્ટે NID (નેશનલ ઈન્સ્ટીટ્યુશન ઓફ ડિઝાઈન)ને આદેશ કર્યો છે કે માસ્ટર ડિગ્રી કોર્સની પ્રવેશ પરીક્ષામાં ઉચ્ચક્રમાંક મેળવનારને પ્રવેશ આપો. હાઈકોર્ટનુ અવલોકન છે કે, એનઆઈસીની સુચના મુજબ વિદ્યાર્થિનીએ યુનિવર્સિટી દ્વારા આપેલી તેની માર્કશીટ અથવા તો ડિગ્રી સર્ટીફિકેટ રજૂ કરેલા છે. જો કે, હેન્ડબુક અને સુચનામાં સ્પષ્ટતાના અભાવે NIDએ તેના વલણમાં બદલાવ કર્યો છે.

NIDના વકીલની રજૂઆત
NIDએ રજૂઆત કરેલી કે તમામ વિદ્યાર્થીઓને જણાવવામાં આવેલુ કે દસ્તાવેજની ચકાસણી પહેલા જો તેઓ તેમની અંતિમ પરીક્ષામાં હાજર થયા ન હોય તો તેઓ પ્રવેશ માટે લાયક ઠરશે નહીં. NIDએ તેની એડમિશન હેન્ડબુકને ટાંકીને રજૂઆત કરેલી કે અરજદાર એ ભારતમાં કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતક (ડિઝાઈન કોર્સ)ની ડિગ્રી ધરાવતા નથી.
કેસની વિગત
અરજદારે ઉત્તરપ્રદેશની શ્રીવ્યંકટેશ્વરા યુનિવર્સિટીના ડિઝાઈન વિલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવેલી છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં અરજદારે NIDના માસ્ટર ઓફ ડિઝાઈન ( સેરામિક એન્ડ ગ્લાસ ડિઝાઈન ડિસિપ્લીન) કોર્સની પ્રવેશ પરીક્ષામાં ઓપન કેટેગરીમાં 97.22 ટકા સાથે મેરિટમાં પ્રથમ સ્થાન મેળવેલુ. તેણીને પ્રોવિઝનલ સીટ (કામચલાઉ ધોરણે ફાળવાતી બેઠક) ફાળવાઈ હતી. જો કે, તેણીના અંતિમ સેમિસ્ટરની પરીક્ષા મોડી લેવાયેલી અને તેનુ પરિણામ સપ્ટેમ્બરમાં આવવાનુ હતુ. જેના લીધે, યુનિવર્સિટીએ તેણીને બોના-ફાઈડ સર્ટીફિકેટ જમા કરાવવાનુ કહેવામાં આવેલુ. જેથી, કોલેજના ડીન અને પહેલાની માર્કશીટના આધારે આપવામાં આવેલા સર્ટીફિકેટ રજૂ કરેલા.
દસ્તાવેજની ખરાઈ બાદ, NIDએ અરજદારને 21 જુલાઈએ જાણ કરેલી કે જરૂરી દસ્તાવેજના અભાવે તેણીની ઉમેદવારી રદ કરાય છે. NIDના મતે, અરજદારે જે કોલેજમાંથી અભ્યાસ કરેલો છે તે યુનિવર્સિટી સાથે જોડાયેલી હોવાનો કોઈ પુરાવો નથી. આથી, અરજદારે યુનિવર્સિટીના સીલ અને સ્ટેમ્પ સાથેની માર્કશીટ અથવા તો યુનિવર્સિટી તરફથી મળેલા બોનાફાઈડ સર્ટીફિકેટ રજૂ કરવા જોઈએ.
આ પછી, અરજદારે હાઈકોર્ટમાં અરજી કરેલી. આ અરજી પડતર હતી તે જ સમયગાળામાં વિદ્યાર્થિનીને તેની માર્કશીટ અને ડિગ્રી સર્ટી મળી જતા તેણીએ NIDમાં રજૂ કરેલા. જો કે, તેણીના પ્રવેશ સામેનો અવરોધ ચાલુ રહેલો.









