રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનીક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ–૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ–૨૦૨૫ના અનુસંધાને રાજ્ય ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચાર સંહિતા બહાર પાડી તેનું કડકપણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવેલ છે. જેનો તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારોએ તથા તેમના કાર્યકરોએ ચુસ્તપણે અમલ કરવાનો રહે છે.


વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ
આચાર સંહિતામાં સરકારી આરામગૃહો, ડાકબંગલાઓ, તથા વિશ્રામગૃહોનો ચૂંટણીના કામે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ છે. આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા–૨૦૨૩ન કલમ–૧૬૩ થી તેમને મળેલી સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, બોટાદ જિલ્લામાં સમાવિષ્ટ સરકારી, અર્ધસરકારી, સહકારી, તમામ આરામગૃહો, ડાક બંગલાઓ, વિશ્રામગૃહો, તથા જાહેર સ્થળો હોય તેવા તમામ આરામગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષોના હોદેદારો, કાર્યકરો ચૂંટણી લડતા ઉમેદવારો કે તેમના એજન્ટોએ રાજકીય હેતુસર અથવા ચૂંટણી વિષયક પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પ્રતિબંધ કરવામાં આવે છે. રાજકીય પ્રવૃતિમાં રાજકીય ચર્ચા, ટેલીફોન ઉપર વાર્તાલાપ તથા મુલાકાતી સહીતની બાબતોનો સમાવેશ થશે.

મિટિંગને પણ મંજૂરી આપી શકાશે નહી
વિશ્રામ ગૃહ, ડાકબંગલા અને સરકારી રહેણાંકના ઉપયોગનો સત્તાધારી પક્ષના સભ્યો કે ઉમેદવારો એક હથ્થુ અધિકારો ભોગવશે નહી અને આવા રહેણાંકનો ઉપયોગ બીજા પક્ષના સભ્યો કે ઉમેદવારોને પણ કરવા દેવાનો રહેશે પરંતુ કોઈપણ પક્ષ કે ઉમેદવારો આવા રહેણાંક (તેની સાથે જોડાયેલ આંગણું)નો ઉપયોગ પ્રચાર, કચેરી કે અન્ય ચૂંટણી વિષયક હેતુ માટે કરી શકશે નહી. સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રાજકીય પક્ષના સભ્યોની પ્રાસંગિક મિટિંગને પણ મંજૂરી આપી શકાશે નહીં.

48 કલાકથી વધુ સમય રૂમ નહી ફાળવી શકાય
ચૂંટણી પ્રચારમાં આવેલા જે મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય તે મહાનુભાવોને લાવતા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખી શકશે.જો તેઓ આ માટે એક કરતા વધારે વાહનોનો ઉપયોગ કરતા હોય તો બે થી વધારે વાહનોને વિશ્રામગૃહ/અતિથિગૃહના કમ્પાઉન્ડમાં રાખી શકશે નહીં.એક જ વ્યકિતને ૪૮ કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચૂંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના ૪૮ કલાક પહેલા વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં.

રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકશે નહી
જે રાજકીય પદાધિકારીઓને ઝેડ કક્ષાની કે જે તે રાજયના કાયદાની જોગવાઈ અનુસાર સમાન કે તેથી વધુ કક્ષાની સુરક્ષા આપવામાં આવેલી હોય તેમને રાજય સરકાર હસ્તકના સરકારી વિશ્રામગૃહ/અતિથિગૃહ, કેન્દ્રસરકાર અગર રાજય સરકારના જાહેર સાહસોના વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે પરંતુ ચૂંટણી કામગીરી સંભાળતા અધિકારી અગર નિરિક્ષકોને અગાઉથી આ રૂમ ફાળવવામાં આવેલ ન હોય તે શરતે જ આ પ્રકારે રહેવા માટે રૂમો ફાળવી શકાશે. જો કે રાજકીય પદાધીકારીઓ વિશ્રામગૃહ/અતિથિગૃહમાં રહેતા હોય તે દરમિયાન કોઈપણ પ્રકારની રાજકીય પ્રવૃતિ હાથ ધરી શકશે નહીં.

21 ફેબ્રુઆરી સુધી જાહેરનામું અમલમાં રહેશે
આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.

  • Follow us on: