- અત્યાર સુધી ટયૂબલાઈટના કાચની બારિક કરચોથી લુદ્દી બનાવાતી, હવે નહીં
- ઉતરાયણ આવતા પહેલાં જ શહેરોમાં જીવલેણ કાચની દોરી રંગવાના ઠેર ઠેર ધંધા
- પંતગ ચગાવવા માટે જુદી જુદી કંપનીના દોરીઓ આવી છે
નવરાત્રિ અને દિવાળી ઉતરતાં જ અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની તૈયારી પેટે દોરી રંગાવાનું ઠેર ઠેર શરૂ થઈ જાય છે. શરૂઆતમાં ચાઈનીઝ દોરીએ પતંગબાજોને ઘેલું લગાવેલું. પરંતુ આ દોરી અત્યંત જીવલેણ બનતાં તેના પર રાજ્ય સરકારે પ્રતિબંધ મુકી દીધો એટલે બજારમાં છૂટથી મળતી બંધ થઈ. આ સંજોગોમાં પતંગબાજોનો સંતોષ જાળવી રાખવા પરંપરાગત રીતે ટયુબલાઈટના કાચની બારીક કરચો મિક્સ કરીને બનાવેલી લુદ્દીનો જે માંજો તૈયાર થતો હતો તેના સ્થાને જાડો કાચ વપરાવા માંડયો અને આ રીતે તૈયાર કરેલી દોરી હવે શહેરમાં જીવલેણ બનવા માંડી છે.
છ, નવ અને બાર તારની ટેલર ખરીદીને ફીરકી રંગાવવામાં આવે છે
પંતગ ચગાવવા માટે જુદી જુદી કંપનીના દોરીઓ આવી છે.જેમાં છ તાર, નવ તાર અને બાર તારની દોરીઓના ટેલર એક, બે અને પાંચ હજાર વારના આવતા હોય છે. આ ટેલર રૂ.110 થી 170ના એક હજાર વારના આવતા હોય છે. તૈયાર ફીંરકીનું વેચાણ કરનારા એક હજારના ટેલરમાંથી 900 વાર ફીરકીમાં રંગાવતા હતા. હાલમાં તૈયાર ફીરકીમાં 12 થી 15 ટકાનો વધારો થયો છે. ઉત્તરાયણનો તહેવાર આવશે ત્યારે ભાવોમાં 20 થી 25 ટકાનો વધારો આવી શકે તેમ છે. હાલમાં એક હજાર તૈયાર ફીરકી રૂ.290 થી 310 સુધીની મળી રહી છે.
યુપીના બરેલીથી સ્પેશિયલ કારીગરો દોરી રંગવા આવે છે
ઉત્તરાયણના ત્રણ માસ પહેલા યુપીથી સ્પેશયલ દોરી રંગવા માટે કારીગરો આવતા હોય છે. કોટ વિસ્તારના વિવિધ જગ્યાએ ભાડે રાખીને તેઓ દિવસ-રાત્ર દોરી રંગતા હોય છે.ઉત્તરાયણના ત્રણેક માસ પહેલા યુપીના બરેલી સહિત અન્ય જગ્યાએથી કારીગરો અમદાવાદ આવી જાય છે અને શહેરની વિવિધ જગ્યાએ ભાડેથી જગ્યા મેળવીને ત્યાં લાકડાના બન્ને બાજુ થાભલા બાંધી દેવામાં આવતા હોય છે. ઉત્તરાયણના એક માસ પહેલા દિવસ રાત દોરી રંગવાનું કામ કરતા હોય છે.
એક હજાર વાર દોરી રંગવાનો અત્યારથી જ ભાવ રૂપિયા 90 !
આ વર્ષે એક હજાર વાર ફીરકીનો ભાવ રૂ.320 થઈ ગયો છે. જયારે ગત વર્ષે દોરી રંગવાનો ભાવ એક હજાર વારનો રૂ.70 હતો, જે આ વર્ષે રૂ.90 થઈ ગયો હતો. જયારે છેલ્લા દિવસોમાં એક હજાર દોરી રંગવાનો ભાવ ડબલ થઈ જતા હોય છે.
હાઈકોર્ટના હુકમ છતાં પોલીસ સામાન્ય કલમો જ લગાવી રહી છે
હાઇકોર્ટે ગત વર્ષે રાજય સરકારની ઝાટકણી કાઢીને ચાઈનીઝ દોરીનું વેચાણ કરનાર તથા તેનો સંગ્રહ કરનારા સામે જીવલેણ દોરી મુદ્દે કડક કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી. છતા પોલીસ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી જામીન પર મુકત કરી દે છે.