• ભાજપના નેતાએ AAPના એક MLAને ભૈ'સાબ કહેવું પડયું

  • વિધાનસભા અધ્યક્ષને ચેમ્બરમાં બેસી રહેવું પડયું, ત્યાગપત્ર લઈ કોઈ ન આવ્યું
  • પાટણના MLAએ કહ્યુ, કોંગ્રેસમાં નારાજ જ છું, રાજીનામું આપીશ !

ભાજપ પ્રેરિત વિપક્ષના ધારાસભ્યોના રાજીનામાના ખેલમાં બુધવારે ભાજપના મોટાગજાના નેતાનો જ દાવ થઈ ગયો છે. મંગળવારે ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સમક્ષ રાજીનામુ આપ્યા બાદ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ બુધવારે વિપક્ષમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડશે એવો દાવો કર્યો હતો. જો કે, બુધવારે આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસથી કોઈ ધારાસભ્ય રાજીનામું આપવા ડોકયા નહોતા. ભાજપના આંતરીક વર્તુળોએ વિપક્ષના જે ધારાસભ્ય રાજીનામુ આપવાના હતા તે બુધવારે માંદા પડયાની વાતો વહેતી કરીને આગામી સપ્તાહે આ તોડફોડ આગળ વધશે એમ કહેવાયુ છે.

15મી ગુજરાત વિધાનસભા તેના કાર્યકાળનું પહેલુ વર્ષ પૂર્ણ કરે તે પહેલા જ ભાજપમાંથી તોડફોડિયા નેતાઓએ ગારિયાધારથી AAPના ભૂપત ભાયણી અને ખંભાતથી કોંગ્રેસના ચિરાગ પટેલનો ખેલ પાડયો છે. આ બંને ધારાસભ્યો મુળતઃ ભાજપમાં જ હતા.બંનેના રાજીનામા બાદ બંને પક્ષોમાંથી વધુ ધારાસભ્યોને રાજીનામા અપાવીને ભાજપમાં સામેલ કરવા ભાજપના નેતાઓ તોડફોડની રાજનીતિ કરી રહ્યા છે. એ શૃંખલામાં મંગળવારે ચિરાગ પટેલ પછી સૌરાષ્ટ્રમાંથી AAP કે કોંગ્રેસ એમ બંને પક્ષના બે પૈકી એક ધારાસભ્યનું રાજીનામું બુધવારે પડશે એવો દાવો કરવામાં આવ્યો હતો. જો કે, બુધાવારે આ બેમાંથી એક પણ ધારાસભ્ય રાજીનામું આપવા આવ્યુ નહોતુ. બીજી તરફ ભાજપ પ્રેરિત અહેવાલોને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને ચેમ્બરમાં બેસી રહેવુ પડયુ હતુ.

પાટણના MLAએ કહ્યુ, કોંગ્રેસમાં નારાજ જ છું, રાજીનામું આપીશ !

પાટણના ધારાસભ્ય પ્રો.કિરીટ પટેલે પોતે કોંગ્રેસના નેતૃત્વથી નારાજ હોવાનુ કહી રાજીનામુ આપવા સુધીની ચિમકી આપી છે. તેમણે કહ્યુ કે, કોંગ્રેસનું શિર્ષસ્થ નેતૃત્વ પાર્ટી સામે કામ કરનારા માટે કોઈ કાર્યવાહી કરતુ નથી. આથી, મે મારી વ્યથા ઠાલવી છે.


  • Follow us on: