• ડુંગર પરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી સહેલાણી આવ્યા

  • તળેટીમાં તેમજ માંચી ખાતે આડેધડ વાહનોના પાર્કિંગથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ
  • રવિવારના રોજ તમામ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા

સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે રવિવારના રોજ દોઢ લાખ માઇભક્તો માતાજીના દર્શનાર્થે તેમજ ડુંગર પરનો કુદરતી નજારો માણવા માટે વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા.

શુક્રવાર મધ્યરાત્રીથી શનિ-રવિવારના બે દિવસ દરમિયાન ડુંગર પર ખાનગી વાહનો પર પ્રતિબંધ પ્રસિદ્ધ કરાયેલ હોય યાત્રાળુઓને પોતાના વાહનો વડા તળાવ તેમજ તળેટીના પાર્કિંગ પ્લોટમાં પાર્ક કરી એસટી બસમાં ડુંગર પર જવાની ફરજ પડી હતી. જોકે 55 એસટી બસ તળેટીથી માંચી વચ્ચે ચલાવવામાં આવતી હોઈ અને લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હોઈઅગમચેતીના ભાગરૂપે અગાઉ થઈ જાય એસટી બસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો કર્યો હોઈ એસટી સુવિધા રાબેતા મુજબ ચાલતી હોવાનું જોવા મળ્યું હતું.

 ઐતિહાસિક ધ્વજારોહણ બાદ યાત્રાળુઓની સંખ્યામાં અનેક ઘણો વધારો નોંધાયો છે. ત્યારે તળેટી ખાતે તેમજ માંચી ખાતે નવા પાર્કિંગ પ્લોટોમાં જે નોંધપાત્ર વધારો થવો જોઈએ તેટલા પ્રમાણમાં વધારો થયો નથી. જેના કારણે તળેટીમાં તેમજ માચી ખાતે આડેધડ વાહનોના પાર્કિંગ થતા ટ્રાફ્કિની જટિલ સમસ્યા થાય છે. જોકે જાણવા મળતી માહિતી મુજબ સામાન્ય દિવસોમાં ડુંગર પર થતા પાર્કિંગની હજાર ઉપરાંત ગાડીઓ પણ હવે નીચે પાર્ક કરવાની નોબત આવવાની હોય તળેટી ખાતે પાર્કિંગની ગંભીર સમસ્યા ઉત્પન્ન થવાની ભીતી સેવાય રહી છે. એસટી નિગમ દ્વારા શનિ રવિવાર ની રજા દરમિયાન જિલ્લા સમાહર્તાના ખાનગી વાહનો પર પ્રતિબંધના જાહેરનામાને પગલે માત્ર એસટી બસ ડુંગર પર જતી હોય એસટી દ્વારા 55 જેટલી એસટી બસો તળેટીથી માચી સુધી ચલાવવામાં આવી હતી જેમાં 948, ટ્રીપ અપડાઉન કરી રૂા. 8 લાખ ની આવક એસ.ટી વિભાગને થઈ હોવાનું જાણવા મળે છે.

રવિવારના રોજ તમામ વેપારીઓએ ધંધા રોજગાર શરૂ કર્યા

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તળેટીના દબાણો દૂર કરવા માટે નું ફરમાન કરતા તળેટી ખાતે આવેલ તમામ વેપાર ધંધા શનિ રવિવારના રોજ વિરોધ પ્રદર્શનના ભાગરૂપે બંધ રાખવાની સ્થાનિક વેપારીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં શનિવારના રોજ જડબેસલાખ બંધ પાડવામાં આવ્યો હતો પરંતુ રવિવારના રોજ તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર રાબેતા મુજબ વહેલી સવારથી શરૂ કરી દીધા હતા.


  • Follow us on: