- પકડાયેલો અશોક પટેલ મૂળ અમદાવાદનો વતની છે
- આરોપી ભરત વિરુદ્ધ કેમિકલ ચોરીના ગુના નોંધાયા છે
- ભરત ચાવડાની કબૂલાતના આધારે 1.77 કિલોગ્રામ ડ્રગ્સ જપ્ત
સિંધરોટની સીમમાં ચાલતી એમડી ડ્રગ્સની ફેકટરીમાંથી રૂ.8.85 કરોડની કિંમતનું 1.77 કિલોગ્રામ ડ્રગ્સ શહેરના સુભાનપુરા વિસ્તારમાં રહેતા અશોક પટેલને મોકલાયું હોવાની ઝડપાયેલા આરોપી ભરત ચાવડાની કબૂલાતના પગલે એટીએસ અને વડોદરા જિલ્લા એસઓજીએ શનિવારે રાત્રે દરોડો પાડી કબ્જે કર્યુ હતું. જયારે અશોક પટેલની અટકાયત કરતા આ બનાવમાં ધરપકડનો આંક છ ઉપર પહોંચ્યો છે.
સિંધરોટ ગામની સીમમાં ગત તા.29મી નવેમ્બરના રોજ એટીએસે દરોડો પાડીને રૂ.479 કરોડની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડયો હતો. આ સાથે મુખ્ય સુત્રધાર સૌમિલ પાઠક, શૈલેષ કટારીયા વિનોદ ઉર્ફે પપ્પુ નિજામા, મોહંમદ શકી દિવાન અને ભરત ચાવડાની ધરપકડ કરી હતી. પાંચેય આરોપીઓ આઠ દિવસના રિમાન્ડ ઉપર હતા. એટીએસના અધિકારીઓએ આરોપીઓની હાથ ધરેલી પુછપરછ દરમિયાન ભરત ભીમાભાઇ ચાવડાની પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં ભાંગી પડેલા ભરતે જણાવ્યું હતું કે તેના પુત્ર હર્ષ ચાવડા દ્વારા મેફેડ્રોન ભરેલી એક થેલી તેના સાગરિત અશોક જીવણભાઇ પટેલને આપી હતી. અશોક પટેલે આ થેલી સુભાનપુરા વિસ્તારના સમતા ચાર રસ્તા પાસે તેના ઘર નજીક છુપાવી રાખી છે. આ કબૂલાતના પગલે શનિવારે રાત્રે એટીએસ અને એસઓજીના અધિકારીઓ દ્વારા સુભાનપુરામાં સમતા ચાર રસ્તા પાસેથી આ રૂ.8.85 કરોડની કિંમતનો 1.77 કિલોગ્રામનો એમડી ડ્રગ્સનો જથ્થો કબ્જે કર્યો હતો. એટીએસ દ્વારા અશોક પટેલની અટકાયત કરી હતી. આ સાથે ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા 6 ઉપર પહોંચી છે. જયારે આ ગુનામાં સલિમ ડોસા, યોગેશ તડવી, મહેશ જોષી અને અહેમદ નામનો શખસ હજુ ફરાર છે. તેને ઝડપી પાડવા માટે એટીએસ દ્વારા તેના આશ્રાય સ્થાન ઉપર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.










