- યુવાન દીકરા ગુમાવનાર પરિવારોના નથી સુકાયા આંસુ
- ઈસ્કોન હાઈવે પર રફ્તારના રાક્ષસો હજુ પણ છે બેફામ
- આજે પણ દારુ પીને પોલીસના ડર વગર હંકારે છે ગાડીઓ
અમદાવાદના ગોઝારા ઈસ્કોન અકસ્માતને એક મહિનાનો સમય આજે પૂર્ણ થયો છે. આ સાથે જ આ દિવસે 9 યુવાનોએ જીવ ગુમાવ્યા અને તેમના પરિવારોના આંસુ આજે પણ સુકાયા નથી. યુવાન દીકરાઓને ગુમાવનારા પરિવારો આજે પણ શોકમાં મગ્ન છે. ઈસ્કોન હાઈવે પર આ ઘટના બાદ પણ અનેક રફ્તારના રાક્ષસો બેફામ ગાડીઓ હંકારી રહ્યા છે. તેમને પોલીસનો પણ ડર નથી. 19 જુલાઈએ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત થયો હતો. પૂરપાટ આવી રહેલી તથ્ય પટેલની થાર કારે 9 લોકોને એકસાથે ઉડાવી દીધા હતા અને તેમના ઘટનાસ્થળે મોત થયા હતા. નબીરાઓ હજુ પણ બેફામ છે અને પોલીસની ડ્રાઈવનું પરિણામ પણ કંઈ ખાસ જોવા મળ્યું નથી, અથવા તો પોલીસ પણ રફ્તારના રાક્ષસો સામે લાચાર જોવા મળી રહી છે.
તથ્ય પટેલના કેસમાં આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના અકસ્માતને આજે એક મહિનાનો સમય થયો છે. જેગુઆર કારથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતારનારા તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. તો કોર્ટ આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર ચુકાદો આપી શકે છે. અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટે બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે કેન્સરની બિમારીનું કારણ દર્શાવી વચગાળાના જામીનની માંગ કરી છે. તથ્ય પટેલ જેલમાંથી બહાર આવવા માટે હવાતિયા મારી રહ્યો છે. તપાસમાં સાથ સહકાર આપવાની રજુઆત સાથે કોર્ટમાં જામીન અરજી કરી છે. ઉપરાંત કોર્ટે મહત્વનો નિર્ણય લેતા તથ્ય પટેલનું લાયસન્સ રદ્દ કર્યું છે. જેના અંગે RTO દ્વારા અરજી કરવામાં આવી હતી.
અક્ષરના પરિવારની કડક કાર્યવાહી સાથે ફાંસીની સજાની માંગ
અમદાવાદના ઈસ્કોનબ્રિજ ખાતે નબીરા તથ્ય પટેલે સર્જેલાં અકસ્માત ને આજે એક મહિનો થયો ત્યારે અકસ્માતમાં બોટાદ શહેરના ભાવનગર રોડ વિસ્તારમાં રહેતો અને અકસ્માત સમયે અમદાવાદ ઉચ્ચ અભ્યાસના એડમિશન માટે ગયેલ 21 વર્ષીય આશાસ્પદ યુવાન અક્ષર અનિલભાઈ ચાવડા (પટેલ) નું કરૃણ મૃત્યુ નિપજ્યું હતું જે પરિવારનો એકનો એક પુત્ર હોય ત્યારે આજે એક મહિના બાદ પણ પરિવારના આંસુ ખૂટી નથી રહ્યો, પિતા શારીરિક બીમાર હોય તેમ છત્તાં ઘરની તમામ મૂડી તેના ભણતર પર ખર્ચ કરી અને મૃતક પુત્ર અક્ષરને નોકરી મળી જાય તેવા આયોજન પર નિર્ભર પરિવાર પુત્રની નોકરીની આશાએ પરિવાર જીવી રહ્યો હતો, ત્યારે એકના એક પુત્રનું મૃત્યુ નિપજતા પરિવાર જનો હવે જાણે કે આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઇ છે, પુત્રના મૃત્યુ બાદ પરિવાર હવે ખુબ જ મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે મૃતકના પિતા અનિલભાઈ કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે તો માતા લક્ષ્મીબેન જેઓ પોતાનો દીકરો ગુમાવ્યો છે જેઓ એમની દીકરી એ ભાઈ ગુમાવ્યો છે તેમ તથ્ય ને ફાંસીની સજા થાય અને તથ્યની બહેન પણ ભાઈ વિહોણી થાય અને માતા પણ પુત્ર વિહોણી થાય એવી રડતી આંખે માંગ કરી રહી છે, જ્યારે મૃતક અક્ષરના કાકા નરેશભાઈ તથ્ય અને આ તેના પિતાને ખોટા દાવાના અને સારવારના કાગળો રજૂ જામીન માંગણી કરાઈ રહ્યા હોવાનું જણાવતાની સાથે બને પિતા પુત્રને દાખલારૂપી સજા થાય તેમજ જામીન ના મળે અને જો એના પિતા જામીન પર છૂટે તો તેઓને પણ ભય સતાવી રહ્યો હોવાના મૃતકના કાકા નરેશભાઈ દ્વારા ભીતિ સેવી રહ્યા છે, ત્યારે કડકમાં કડક સજા સાથે દાખલારૂપી કાર્યવાહી થાય તેવી માંગ કરવાની સાથે સરકારને અપીલ કરી રહ્યા છે.
નબીરા સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ હતી
ઘટનાના અમુક જ કલાકોમાં જ તથ્યની ધરપકડ કરી લેવામાં આવી હતી. તથ્ય પટેલે આચરેલા કૃત્ય સામે 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં તેનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતની બાબતોનો ઉલ્લેખ ચાર્જશીટમાં કરવામાં આવ્યો હતો. માત્ર 10 દિવસની અંદર 9 લોકોને કચડી નાખનારા તથ્ય પટેલ સામેની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ફાઈલ કરી દેવામાં આવી હતી. જેમાં 50 લોકોના પોલીસને નિવેદન લીધા હતા. અકસ્માત સ્થળ રૂટના CCTV ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.









