- 19 વર્ષીય આદર્શ સાવલિયા નામના યુવકનું મોત
- યુવકને 3 દિવસથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ
- યુવકને હાથપગમાં પણ થતો હતો દુખાવો
ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં યુવકો ક્રિકેટ રમતા અથવા રોજિંદુ કામ કરતા કરતા હાર્ટ એટેકથી મૃત્યુ પામતા હોય એવી ઘટના સામે આવી રહી છે. ત્યારે 24 કલાકમાં જ હાર્ટ એટેકથી મોતની આ ત્રીજી ઘટના સામે આવી છે. મોરબી, સુરત બાદ હવે રાજકોટમાં એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે.
હાર્ટ એટેક આવતા યુવક બાથરૂમમાં પડી ગયો
મળતી માહિતી પ્રમાણે રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષના યુવકનું મૃત્યુ નિપજ્યું છે. 19 વર્ષના આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઇને પહોંચ્યા હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવારની માથે શોકનું મોજું ફરી વળ્યું હતું. કહેવાય છે કે આદર્શને ત્રણ દિવસથી શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. યુવકને હાથપગમાં પણ દુખાવો થયો હતો.
ચાલુ બાઈકે આવ્યો હતો હાર્ટ એટેક
આપને જણાવી દઈએ કે, ગઈકાલે પણ હાર્ટ એટેકથી બે લોકોના મૃત્યુ થયા હતા. જેમાં સુરત શહેરના ખટોદરા વિસ્તારમાં ચાલુ બાઇકે પાછળ બેઠેલા કાપડના વેપારી કાનજીસિંહ રાજપૂતને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબીમાં ચોકીદારનું હાર્ટએટેકથી મૃત્યુ
મોરબીના રફાળેશ્વર ગામમાં ગઈકાલે કારખાનાના ચોકીદારનું હાર્ટ એટેકથી મોત થયું હતું. કારખાનાનો દરવાજો ખોલતી વખતે ચોકીદારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેઓ ત્યાં ઢળી પડ્યા હતા. કારખાનાના CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી.
યુવાનોમાં હાર્ટએટેકનું કારણ
ડૉક્ટરોના મતે યુવાનોમાં બે પ્રકારના હૃદયરોગના હુમલાઓ જોવા મળતાં હોય છે. તેમના હૃદયની ધમની ઉપરની ચામડી ફાટી જવાથી જ્યારે એન્જિયોગ્રામ કરવામાં આવે છે ત્યારે પણ તેમાં પૂરતા પ્રમાણમાં બ્લોકેજીસ દેખાતા નથી. બીજા પ્રકારનાં હાર્ટ એટેક મોટી ઉંમરની વ્યક્તિઓને આવે છે. અહીં 90 ટકા જેટલા બ્લોકેજીસ ધમનીમાં દેખાય છે. તેમનામાં ટ્રાયગ્લીસેરાઇડ્સનું પ્રમાણ વધુ હોય છે અને 'સારા' કોલેસ્ટેરોલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે. આજે, પહેલાના સમયની સરખામણીમાં અનેક યુવાનો હૃદય રોગની સમસ્યાઓથી પીડાતા જોવા મળે છે. તેનું કારણ કદાચ જાગૃતિનો અભાવ અને ખોટી લાઇફસ્ટાઇલ હોઇ શકે. કસરતનો અભાવ અને અસ્વાસ્થ્યપ્રદ ભોજન તથા ધુમ્રપાન આજની યુવાન પેઢીમાં વધી રહ્યું છે, જેને કારણે યુવાનોમાં હૃદય રોગની સંખ્યા વધી રહી છે.
એક સંશોધન મુજબ જેમને અચાનક કાર્ડિયાક અરેસ્ટનો હુમલો આવે છે એવી દર સાતમાંથી અંદાજે એક વ્યક્તિ 40 વર્ષથી નીચેની હોય છે એમ ડોકટર્સ કહે છે. આજે વીસી પુરી થવાને નજીક પહોંચેલા યુવાનોને પણ કાર્ડિયાક અરેસ્ટ આવતા હોય છે. ડોકટર્સ એને માટે લોકોમાં વધતા જતા સ્ટ્રેસના ભયજનક પ્રમાણ અને બેઠાડુ જીવનશૈલીને દોષ આપે છે. 80 ટકા કેસોમાં કાર્ડિયાક અરેસ્ટ હાર્ટ એટેક અથવા કોરોનરી બ્લોકેજ ને કારણે આવી શકે છે. પરંતુ કાર્ડિયાક એરેસ્ટ ફક્ત ચાર મિનિટમાં દર્દીના મગજને નષ્ટ કરી નાંખે છે જ્યારે હાર્ટ એટેકમાં એવું નથી થતું.
કોઇ વ્યક્તિને અચાનક જીવનમાં કદી ન અનુભવ્યો હોય એવો છાતીમાં અતિ તીવ્ર દુખાવો થાય તો પણ તેઓ એને ગેસની તકલીફ સમજીને અવગણે છે. તેઓ એ વાત સ્વીકારવા નથી માગતા કે નાની ઉંમરે પણ એમને હૃદય રોગની તકલીફ થઇ શકે છે' યુવાન હૃદયને ઘણું વધુ નુકસાન થાય છે. એટલે યુવાનોને વૃદ્ધો કરતા વધુ ખતરનાક હાર્ટ એટેક આવે છે. વૃદ્ધ વ્યક્તિના શરીરમાં કેલ્સિયમ સમયાંતરે કોલેસ્ટોરલ પર જામી જાય છે અને હૃદયને એ સ્થિતિની આદત પડી જાય છે. જ્યારે યુવાનોની રક્તવાહિનીઓમાં થોડુક પણ કોલેસ્ટ્રોરલ હોય તો ેહૃદયની ધમનીઓ ફુલે છે અને અચાનક હુમલો આવે છે.









