વિશ્વ મંચ પર રશિયા અને યૂક્રેન વચ્ચેનું લોહિયાળ યુદ્ધ ત્રીજા વર્ષમાં પ્રવેશવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. બંને દેશો વચ્ચેનાં યુદ્ધમાં હજારો નિર્દોષો હોમાયા છે. રશિયા અને યૂક્રેન બંને પાયમાલ થઈ ગયા છે. અધૂરામાં પૂરું ઇઝરાયેલ અને હમાસ તેમ જ હિઝબુલ્લાહ વચ્ચેનું યુદ્ધ વધારે વિકરાળ બની રહ્યું છે.


આ યુદ્ધમાં ઇઝરાયેલ, લેબેનોન, પેલેસ્ટાઇન, ઈજિપ્ત, સીરિયા, ઇરાન અને યમન સીધી યા આડકતરી રીતે જોડાયેલા છે. તમામ દેશો એકબીજાને ખતમ કરવા ભીષણ આક્રમણ કરી રહ્યા છે. તાજેતરમાં ઇઝરાયેલ દ્વારા લેબેનોનમાં બૈરૂત ખાતે કરવામાં આવેલા ભીષણ બોમ્બમારામાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહનું મૃત્યુ થયું. આને કારણે હિઝબુલ્લાહને મોટો ફટકો પડયો છે. મિડલ ઇસ્ટમાં તંગદિલી વધુ ઘેરી બની છે. એકબીજાનું લોહી પીવા માટે તરસ્યા બનેલા દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યાં જઈને અટકશે? બદલો લેવાની ભાવનાથી અને એકબીજાનો હિસાબ કિતાબ સરભર કરવાનાં ઇરાદાથી એકબીજા પર કરવામાં આવી રહેલા હુમલામાં અનેક નિર્દોષો હોમાઈ રહ્યા છે. યુદ્ધને રોકવા માટે સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓ હવે નહોર વિનાની થઈ ગઈ છે. લોકોની લાશો ગણાઈ રહી છે. હિઝબુલ્લાહના વડાનો ભોગ લેવાઈ જવાથી યુદ્ધમાં શાંતિ સ્થપાવાને બદલે તંગદિલી વધી રહી છે. ઇરાન અને હિઝબુલ્લાહ હવે તેનાં વડાની હત્યાનો બદલો લેવા મરણિયા બન્યા છે. ઇઝરાયેલને યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપવા માટે સમજાવવાના અમેરિકા અને યુએનના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. નસરલ્લાહની હત્યા પછી ઇઝરાયેલનો ઉત્સાહ બેવડાયો છે. આને કારણે મિડલ ઇસ્ટમાં શાંતિની સંભાવના ઓસરી ગઈ છે. ઇઝરાયેલના હુમલામાં જુદાજુદા સ્થળે ઓછામાં ઓછા 12થી વધુ ટોચના કમાન્ડરો માર્યા ગયા છે આમ છતાં હિઝબુલ્લાહ શરણાગતિ સ્વીકારવા તૈયાર નથી. યુદ્ધ બેકાબૂ થવાનો ખતરો વધી ગયો છે. ઇઝરાયેલ દ્વારા પેજર અને વૉકીટોકી વડે હુમલા કરીને તેનાં આંતરિક સંદેશાવ્યવહારની ચેઈન તોડી પાડવામાં આવી છે. હિઝબુલ્લાહની ટોચની નેતાગીરી ખતમ થઈ ગયા છતાં તેની જેટલું શક્તિશાળી ઉગ્રવાદી સંગઠન કોઈ નથી. તેની લશ્કરી તાકાત મધ્યમ કદના દેશ જેટલી છે. તેની પાસે 1,50,000થી વધુ રોકેટ અને મિસાઇલ્સ છે. નસરલ્લાહની હત્યા પછી પણ તેણે ઇઝરાયેલ સાથેનું યુદ્ધ ચાલુ રાખવાનો લલકાર કર્યો છે. વિશ્વનાં 12 દેશો દ્વારા ઇઝરાયેલને યુદ્ધ ખતમ કરવા મનાવવામાં આવી રહ્યું છે પણ ઇઝરાયેલ કોઈની વાત સાંભળવાના મૂડમાં નથી. નેતન્યાહૂ દ્વારા હમાસ અને હિઝબુલ્લાહ તેમજ હવે હૂતી વિદ્રોહીઓ સાથે આરપારની લડાઈ લડવાની ઘોષણા કરવામાં આવી છે. ઇઝરાયેલની સેના લેબેનોનમાં જમીન પરનો જંગ ખેલવાની તૈયારી કરી રહી છે જે યુદ્ધ લાંબુ ચાલવાનાં સંકેતો આપે છે.


  • Follow us on: