સલામત સવારી, એસટી અમારી' સtત્ર લઈને ગુજરાત એસટી ચાલી રહી છે, જોકે જામનગર એસટી બસની હાલત શું છે ? એ જાણવા જામનગરમાં એસટી બસની હાલત જોવા સંદેશની ટીમ એસટી બસ સ્ટેશને પહોંચી હતી જેમાં એસટી બસોની હાલત એવી તો ખખડધજ હાલતમાં જોવા મળી કે મુસાફરોને આ બસ સલામત રીતે પહોંચાડે એ જ નવાઈ કહેવાય.
જામનગર વિભાગની ખખડધજ એસટી
સલામત સવારી, એસ.ટી. અમારીનું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમનું સૂત્ર જામનગર વિભાગની ખખડધજ હાલત જોતા સલામત સવારીને લઈ સવાલો ઉભા કરે છે. એસ.ટી. બસને ગુજરાતની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. તેમાં દરરોજ હજજારો લોકો મુસાફરી કરતા હોય છે. પરંતુ આ જીવાદોરી સમાન એસ.ટી. બસની હાલત ખૂબ જ ખરાબ છે. જામનગર વિભાગીય કચેરી હેઠળ આવતા પાંચ ડેપોની કુલ 257 બસમાંથી 40 ટકા જેટલી 99 બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ ચાલેલી છે છતા આ બસો ઓન રોડ ચાલી રહી છે. જે જોખમી મુસાફરી કહી શકાય.
અંદરથી બસ ખરાબ
જામનગર એસટી ડેપોમા બહારથી દેખાતી ચકાચક બસો અંદરથી ખખડધજ હાલતમાં જોવા મળી હતી. બસની અંદર નો સ્મોકિંગ, સ્વછતા રાખોના સ્લોગન હતા પણ તેની અમલવારી થતી ના હોય તેવું જોવા મળ્યું. બસમાં ડસ્ટબીન પણ કંડમ હાલતમાં અને બસની અંદર પુષ્કળ ગંદગી જોવા મળી. આ સાથે કટાઈ ગયેલા પતરા, તૂટેલી સીટો, બારીઓના તૂટેલા કાચ, દોરી વડે બાંધેલાદરવાજા આવી અનેક બસોમાં હજારો મુસાફરો જીવના જોખમે સવારી કરવા મજબુર છે. બસની અંદર ઇમર્જન્સી એક્ઝીટની બારી દોરીથી બાંધવામાં આવી હતી ત્યારે ઇમર્જન્સી સમયે બારી ખુલે કેમ...? તે પણ સવાલ મુસાફરોમાં થઇ રહયો છે. જોકે આ બાબતે એસ.ટી. બસમાં મજબુરીમાં મુસાફરી કરતા લોકો જોખમથી વાકેફ છે. પરંતુ રોજનું અપડાઉન કે ગ્રામ્ય વિસ્તારમાં જવાનું હોય તો એસ.ટી. જેવો સસ્તો અને ઝડપી મળી રહેતો અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નથી એટલે મુસાફરોને ન છુટકે ખખડધજ બસોમાં મુસાફરી કરવી પડી રહી છે અને નિગમ પણ મુસાફરોની તકલીફથી વાકેફ હોવા છતાં ઝડપથી યોગ્ય હલ લાવવામાં ઉદાસીનતા દાખવી રહ્યું છે.
ખખડધજ બસના બદલે નવી બસો મુકવામાં આવે
જોકે આ સમગ્ર મામલે એસ.ટી.ડિવિઝનના મુખ્ય અધિકારી સાથે વાત કરતા તેઓએ આ મામલે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો તેથી સ્પષ્ટ થાય છે કે આ તમામ બાબત તેઓના ધ્યાને છે પણ ક્યારે તેની અમલવારી થશે તે જોવાનું રહયું...? હાલ તો જામનગર ડિવિઝન હેઠળ જૂની ખખડધજ બસના બદલે નવી બસો મુકવામાં આવે તેવી મુસાફરોની માંગ ઉઠી છે,આમ જામનગર વિભાગીય કચેરી હેઠળના પાંચ ડેપોમાં 57 સુપર એકસપ્રેસ બસ, 22 મીની બસ, 20 ગુર્જરનગરી બસ નિર્ધારિત કરેલા કિલોમીટર કરતાં વધુ કિલોમીટર ચાલી ગયેલ છે.
જામનગર જિલ્લાના ડેપો મુજબ બસોની આંકડાકીય માહિતી
ડેપોનું નામ જામનગર
કુલ બસો 81
ખખડધજ બસો 37
ડેપોનું નામ ખંભાળિયા
કુલ બસો 47
ખખડધજ બસો 21
ડેપોનું નામ દ્વારકા
કુલ બસો 35
ખખડધજ બસો 11
ડેપોનું નામ ધ્રોલ
કુલ બસો 41
ખખડધજ બસો 12
ડેપોનું નામ જામજોધપુર
કુલ બસો 48
ખખડધજ બસો 18









