- ભાનુપ્રસાદ જોશી (પાલનપુર)
- પુરતો વીજ પુરવઠો ન મળતાં અમીરગઢના ખેડૂતો રોષે
- ફરી રજૂઆત કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી
- સમસ્યાનું નિવારણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે કરશે ઉગ્ર આંદોલન
અમીરગઢ વિસ્તારમાં ખેતી માટે વીજ પુરવઠો અનિયમિત અને પૂરતા પ્રમાણમાં ન મળતાં ખેડૂતો વીજ કચેરીમાં પહોંચી રજૂઆત કરી હતી અને ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
અમીરગઢ તાલુકામાં ખેતી માટે વીજ પુરવઠો અપૂરતો અને અનિયમિત મળવાની બૂમો ઘણા સમયથી ઉઠી રહી છે. આના માટે મુશ્કેલીમાં મુકાયેલા ખેડુતો દ્વારા અનેક રજૂઆતો કરવામા આવી છે છતાં પરિણામ શૂન્ય છે. પોતાનો પાક બગડતો હોવાથી કંટાળેલા ખેડૂતો મોટી સંખ્યામાં ઇકબાલગઢ આવેલ યુજીવીસીએલની ઓફિસ ઘસી આવ્યા હતા. જય જવાન જય કિસાનના નારાઓથી કચેરી ગુંજવી હતી. અમીરગઢ વિસ્તારમાં વીજ પુરાવાથી માત્ર 6 કલાક આપવામાં આવી રહ્યો છે અને તે પણ રાત્રીના બાર અને બે વાગ્યાના સમયે આપવામાં આવે છે. જેથી 6 કલાકમા ખેડૂતોને પિયત પૂરતું થતું નથી અને પણ મુરઝાઇ રહ્યો છે.
દર વર્ષે તૈયાર પાક પર કમોસમી માવઠા જેવી કુદરતી આફત આવતા ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. તો હવે અપૂરતા અને અનિયમિત વીજ પુરવઠાની ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. પહેલા પણ કિશાન સંઘ દ્વારા રજૂઆત કરવામા આવી હતી અને બે દિવસમાં ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ આપવાનું આશ્વાસન આપવામાં આવતા ખેડૂતો પરત ફર્યા હતા, પરંતુ તેઓની સમસ્યા ઉકેલવામાં ન આવતા આજે ૧૫ ગામના ખેડૂતો કચેરીમાં ધસી આવ્યા હતા અને પૂરતા વીજ પુરવઠાની મજબૂત રજૂઆત કરી હવે પછી ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાળ સાથે ધરણાં યોજાવાની ચીમકી આપી હતી. મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોને ઇકબાલગઢ કચેરીના અધિકારીએ ઉપરની ઓફિસમાં રજૂઆત મોકલી તેઓની સમસ્યાનું નિરાકરણ લાવવાની એકવાર ફરી આશ્વાસન આપ્યું હતું.