- લોકોને વર્ષે 25 હજાર જેટલી બચત થઈ : રાઘવજી પટેલ
- સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ 25 હજારની અપાતી સબસિડી
- મનરેગા યોજના હેઠળ 12 હજાર સબસિડી આપવામાં આવે છે
કેન્દ્ર સરકારે વર્ષ 2018માં ગોબર ધન યોજના અમલમાં મૂકી હતી, ગુજરાતમાં અત્યાર સુધીમાં 7,600ના લક્ષ્યાંક સામે 7,100થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે, તેમ ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. ગોબર ગેસ પ્લાન્ટમાંથી જાતે જ બળતણ ગેસ ઉત્પાદિત કરતા નાગરિકોને વર્ષે 12થી 25 હજાર જેટલી બચત થઈ રહી છે.ગુજરાત રાજ્ય બે ઘન મીટર ક્ષમતા ધરાવતા 7,600 જેટલા વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ સ્થાપવાના લક્ષ્યાંકને પૂર્ણ કરવા આગળ વધી રહ્યું છે, રાજ્યના 33 જિલ્લાઓને મળી અત્યાર સુધી કુલ 7,147 બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યા છે. ગોબર ધન યોજના હેઠળ બાયોગેસ પ્લાન્ટ સ્થાપવા માટેની કુલ કિંમત 42 હજાર છે, જેમાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા 25 હજારની સબસિડી આપવામાં આવે છે તેમજ 12 હજાર મનરેગા યોજના હેઠળ આપવામાં આવે છે, બાકી રહેલા 5 હજાર લોકફાળા રૂપે લાભાર્થી પાસેથી ઉઘરાવવામાં આવે છે. પશુઓના છાણનો ઈંધણની જગ્યાએ ગોબર ગેસ પ્લાન્ટમાં ઉપયોગ થાય તો પ્રદૂષણ ઘટવાની સાથે ગ્રામીણ પરિવારોને ઘર વપરાશ માટેનો ગેસ મળે છે, આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીનો ખાતર તરીકે સીધો ખેતરમાં ઉપયોગ કરી શકાય છે.










