- જિલ્લામાં કુલ 1,58,084 હેકટરમાં વાવેતર કરાયું
- ગત વર્ષ કરતા 1,968 હેકટરમાં ડાંગરની ખેતી વધી
- બાજરીને બાદ કરતા કપાસ, શાકભાજી તથા ઘાસચારાના વાવેતરમાં પણ વધારો
છેલ્લા લગભગ ત્રણ અઠવાડિયાથી વરસાદના વિરામ વચ્ચે પણ આણંદ જિલ્લામાં ખરીફ પાકોનું વાવેતર ચાલુ રહ્યું છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 3,442 હેકટર વિસ્તાર જમીનમાં વિવિધ પાકના વાવેતરમાં વધારો થયો છે. જેમાં સૌથી વધુ 1,22,908 હેકટર જમીનમાં ફક્ત ચોમાસુ ડાંગરની ખેતી કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતા 1,968 હેકટર વધુ છે. જિલ્લામાં અત્યાર સુધીનું કુલ 1,58,084 હેકટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે.
આણંદ જિલ્લાના ધરતીપુત્રોના જણાવ્યા અનુસાર, હજુ શ્રાવણ અને ભાદરવાનો મહિનો બાકી છે. તેથી રોપણીમાં વધારો થવાની શક્યતા છે. આમેય ડાંગરની રોપણી સવા લાખ હેકટર જમીન વિસ્તારને પણ આંબી જાય તેવી શક્યતા પહેલેથી જ ખેડૂતોએ દર્શાવી છે. ગત વર્ષની સરખામણીમાં બાજરીને બાદ કરતા કપાસ, શાકભાજી, ઘાસચારો તથા કેળની ખેતી વધી છે. ગત વર્ષે ચોમાસાની સીઝનમાં કેટલાક ખેડૂતોએ તમાકુની પણ ખેતી કરી હતી. આ વર્ષે હજુ સુધી કોઈ ખેડૂતે ખરીફ તમાકુની રોપણી કરી હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી નથી.










