- વાહન ચાલકો ટોલ ભરતા હોવા છતાં પણ તેમને ભારે હાલાકી
- નેશનલ હાઈવે પર ફરી ઠેર ઠેર મસ મોટા ખાડા પડી ગયા
- વાહન ચાલકો કલાક સુધી ટ્રાફિક જામમાં ઊભા રહેવા મજબૂર
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ ખાડારાજ સર્જાયું છે. જેમાં પાલનપુર નજીકથી પસાર થતો નેશનલ હાઇવે પર મોટા પ્રમાણમાં ખાડારાજ સર્જાતા રોડ બનાવનાર તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા છે. જેમાં વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવા મજબુર બન્યા છે.
નેશનલ હાઈવે પર ફરી ઠેર ઠેર મસ મોટા ખાડા પડી ગયા
રાજ્યમાં હજુ ચોમાસાની શરૂઆત થઈ છે. બનાસકાંઠામાં તો હજી સામાન્ય વરસાદ વરસ્યો છે અને તેવામાં જ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં ખાડારાજ સર્જાવાની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાંથી પસાર થતાં અમદાવાદથી-આબુરોડને જોડતા નેશનલ હાઈવે પર ફરી ઠેર ઠેર મસ મોટા ખાડા પડી ગયા છે. અને તેને જ કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે.
વાહન ચાલકો ટોલ ભરતા હોવા છતાં પણ તેમને ભારે હાલાકી
મહત્વની વાત છે કે પાલનપુર નજીક ખેમાણા ટોલ પ્લાઝા આવેલું છે જે ટોલ બુથ ઉપર વાહન ચાલકો ટોલ ફીની રકમ ચૂકવીને પસાર થતા હોય છે. પરંતુ ચોમાસાની શરૂઆતમાં જ સર્જાયેલા ખાડારાજ દરમિયાન વાહન ચાલકો ટોલ ભરતા હોવા છતાં પણ તેમને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. જેને લઇ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
વાહન ચાલકો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિમાં ઊભા રહેવા પણ મજબૂર
પાલનપુરના સુર મંદિર નજીક તો મસ મોટા ખાડા પડી જતા દરરોજ વાહનો અટવવાની ઘટનાઓ સામે આવે છે. અને તેને જ કારણે બે-ત્રણ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગતા આબુરોડથી અમદાવાદ અને અમદાવાદથી આબુરોડ જતા વાહન ચાલકો કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિમાં ઊભા રહેવા પણ મજબૂર બન્યા છે. ત્યારે વાહન ચાલકોની એક જ માંગ છે કે તંત્ર જાગે અને આ રોડનું સમારકામ જલ્દી કરે.









