- વીમાના નામે રૂ. 91.54 લાખની ઠગાઈ કર્યાનું ઉજાગર
- બેંકના કર્મચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ આદરી
- અમૃતસાગર સોસાયટી, ડીસા વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
પાલનપુરના ચિત્રાસણી ગામે બેંક ઓફ બરોડાની સંલગ્ન વીમા કંપની ઈન્ડિયા ફર્સ્ટ ઈન્સ્યોરન્સના બિઝનેસ ડેવલપ મેનેજર આશુ શાહ દ્વારા ગ્રાહકોને વિશ્વાસમાં લઈ ખોટી લાલચ તથા પાવતી આપી કરેલી ઠગાઈને મામલે ઈન્ડિયા ફર્સ્ટ ઈન્સ્યોરન્સના એરિયા બિઝનેસ હેડ રૂચિનભાઈ દિનેશભાઈ મહીવાલ રહે. પાલનપુર દ્વારા આશુભાઈ રાજેશભાઈ શાહ રહે. અમૃતસાગર સોસાયટી, ડીસા વિરૂદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ બીઓબીની ચિત્રાસણી શાખામાં મેનેજર સુબીન ભટ્ટને બેંકના ગ્રાહક વિનોદકુમાર ચેલાભાઈ પ્રજાપતિ રહે.જસપુરીયા દ્વારા બેંક સંલગ્ર વીમા કંપની ઈન્ડિયા ફર્સ્ટ લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આશુભાઈ રાજેશભાઈ શાહે ગત તા.02/11/2023ના રોજ રૂ. 1,53,200 તથા 21/03/2024ના રોજ રૂ. 3,65,000ની રકમ આશુભાઈ રાજેશભાઈ શાહ દ્વારા વીમામાં રોકાણ કરવા બહાને લીધા હતા. જે સ્વીકાર્યાની પાવતી આપી હતી. પરંતુ પાવતીઓની ખાતરી કરતા ખોટી નીકળી હતી. જેથી નાણાની ખાતરી અપાવવા આશુભાઈ રાજેશભાઈ શાહ દ્વારા વિનોદકુમાર ચેલાભાઈ પ્રજાપતિને ચેક આપ્યો હતો.જે ચેક વિનોદકુમાર દ્વારા બેંકમાં નાખવામાં આવતા બાઉન્સ થયો હતો. જેથી આ બાબતે બેંક મેનેજર દ્વારા તપાસ કરાતા કુલ 24 ગ્રાહકો સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું.










