પાલનપુર શહેરમાં ક્રિકેટની સટ્ટા બેટીંગ અને મોબાઈલમાં જુગાર રમવાની લતે ચડેલા યુવાનોને કારણે વાલીઓ ચિંતાતુર બન્યા છે.અને એક તરફ નશાનું વળગણ અને બીજી તરફ સટ્ટા બેટીંગના કારણે લાખો રૂપિયાની લેતી દેતીના ખેલમાં દેવુ કરીને પણ પૈસા ચુકવવા પડતા હોય છે જે અંગે પોલીસે આ બધીને નાથવા પ્રયાસ હાથ ધર્યો છે જેમાં પોલીસે પાલનપુરમાં નગરપાલિકા પાછળ બેંક સોસાયટીમાં રહેતા ધીરેન અશોકભાઈ ગોહિલને ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પાલનપુર શહેરમાં નશાની લતે ચડેલા યુવાનો અને જુગારના સટ્ટામાં હારજીતમાં લાખો રૂપિયાની હેરાફેરી કરતા હોય છે.જેમાં કેટલાક યુવકો ક્રિકેટના સટ્ટામાં વર્ષોથી રચ્યા પચ્યા રહે છે અને તેમાં કરોડો રૂપિયાની હેરાફેરી કરી રહ્યા હોવાનું કહેવાય છે. તેમાં ચોક્કસ ઈસમોની એક સિંડિકેટ પણ ક્રિકેટના સટ્ટામાં સક્રિય હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અને આ ટુકડી દ્વારા મોબાઈલમાં આઈડી મારફતે મેચની બેટીંગ અને સ્કોરબોર્ડ આધારે હારજીત નક્કી કરી અને નાણાંની લેતીદેતી કરતા હોય છે. જે અંગે પાલનપુર શહેર પૂર્વ પોલીસના પીઆઈને મળેલ બાતમી આધારે શહેરના સીમલાગેટ વિસ્તારમાં આવેલ સરદાર પટેલ માર્કેટની દુકાનો વચ્ચેથી ધીરેન અશોકભાઈ ગોહિલ (રહે.બેંક સોસાયટી, કોલેજ કમ્પાઉન્ડ,નગરપાલિકા પાછળ, પાલનપુર)વાળો ક્રિકેટ બેટીંગની હારજીતની જુગાર પ્રવૃત્તિ કરી રહેલ છે.

તે હાજર હોવાની માહિતી મળતા પોલીસે તેને રાઉન્ડઅપ કરી અને ઝડપી લઈ અને તેના મોબાઈલમાં ચેક કરતા ગોલ્ડ 365 નામની આઈડી ચાલુ હતી અને તેમાં વુમન પ્રિમિયર લીગની મેચ ચાલુ હતી અને તેમાં ચાલુ મેચના સ્કોરબોર્ડ તથા બેટીંગ હારજીતના સટ્ટા લોગ જણાઈ આવતા તે અંગે પુછપરછ કરતા 20-20 ઓવરની મેચ પર પૈસા વડે હારજીતનો સટ્ટો રમતો હોવાનું જણાવતા પોલીસે તેના સ્ક્રીનશોટ લઈ અને મોબાઈલ કબ્જે લઈ તેની સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરેલ છે.

ઉપરોકત કેસમાં જુગારનો કેસ નોંધાવતા જે મોબાઈલ મળી આવેલ છે તેમાં સંપર્ક અને ડિટેલ અંગે વધુ પુછપરછ કરવામાં આવે તો શહેરમાં ચાલતી જુગારની પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય સટોડિયાના નામ પણ ખુલે તેવી સંભાવના છે.


  • Follow us on: