ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા રમઝાન માસમાં આવતી વિશેષ રાત્રી કે જે શબે કદ્રથી પ્રચલિત છે તે પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઈસ્લામ ધર્મના હિજરી સન રમઝાન માસની 27 મી તારીખે શબે કદ્ર પર્વની ઉજવણી કરવામાં આવે છે.


શબે કદ્રની રાત હજાર મહિનાઓથી ઉત્તમ રાત્રિ ગણવામાં આવે છે. શબેકદ્ર પ્રસંગે મસ્જીદો, દરગાહોને રોશનીથી શણગારવામાં આવી હતી. પાલેજ નગરમાં આવેલી મક્કા મસ્જીદ સહિત નગરની વિવિધ મસ્જીદોમાં રાત્રે તરાવીહની વિશેષ નમાઝ બાદ વિશેષ નવાફીલ નમાઝ અદા કરાવાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા.

તરાવીહની વિશેષ નમાઝ બાદ મોડી રાત્રી સુધી મુસ્લિમ બિરાદરોએ મસ્જિદોમાં રોકાઈ નવાફીલ નમાઝો અદા કરી હતી. સાથે સાથે ઈબાદત પણ અદા કરી હતી. મક્કા મસ્જીદમાં મસ્જીદ કમિટી દ્વારા વિશેષ જિક્ર શરીફનો કાર્યક્રમ યોજાયો હતો. મક્કા મસ્જીદના ખતિબો ઈમામ મૌલાના મોહમ્મદ અશરફીએ જીક્ર શરીફ અદા કરાવ્યુ હતુ. ઝીક્ર શરીફ બાદ મૌલાનાએ દેશ અને દુનિયામાં અમન અને શાંતી કાયમ રહે તે માટે દુઆ ગુજારી હતી ત્યારે સલાતો સલામ પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરાયુ હતુ.

ઈદની નમાઝ ઈદગાહ મુકામે અદા થશે

ભરૂચ ઈદગાહ વકફ ટ્રસ્ટના પ્રમુખ એ.આઈ.લાલભાઈ શેખ તથા સેક્રેટરી હાફેઝ અબરારહુસેન સુજનીવાલા એક અખબારી યાદીમાં જણાવે છે કે ઈદની નમાઝ તા.31 માર્ચ અથવા 1-4-25 ના રોજ ઈદગાહ મુકામે સવારે 7.30 કલાકે અદા કરવામાં આવશે જેની નોંધ મુસ્લિમ ભાઈઓએ લેવા વિનંતી છે.


  • Follow us on: