- ગોધરાના ભૂરાવાવમાં પાયલોટ પ્રોજેકટ હેઠળ લગવાયા 5000 સ્માર્ટ મીટર
- સ્માર્ટ મીટર લગવાયા બાદ ગ્રાહકોના બિલ આવવા લાગ્યા લાખોમાં
- વીજ ગ્રાહકો જૂના મીટર પાછા લગાવી દેવ MGVCL કચેરીએ રજૂઆત
સ્માર્ટ પ્રિ પેઈડ વીજ મીટરને લઈ ગોધરા શહેરના વીજ ગ્રાહકોમાં શરૂઆતથી જ ભારે આક્રોશ અને વિરોધ જોવા મળી રહ્યો છે. ગોધરા MGVCLના પશ્ચિમ વિભાગમાં એટલે કે ગોધરા શહેરના ભૂરાવાવ વિસ્તારમાં 5000 સ્માર્ટ પ્રિ પેઈડ વીજ મીટર પાયલોટ પ્રોજેકટ તરીકે હાલ ગ્રાહકોને ત્યાં ફિટ કરવામાં આવ્યા છે જેમાં અગાઉ કરતાં વધુ વીજ બિલ આવતું હોવાનો ગ્રાહકો આક્ષેપ કરી જુના મીટર પરત બેસાડી આપવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે.

આ સ્થિતિ વચ્ચે બુધવારે કેટલાક ગ્રાહકોની સ્માર્ટ મીટર વીજ બિલની મોબાઈલ એપ્લિકેશનમાં એક લાખ અને તેનાથી વધુ માઇનસ રકમનું બાકી બિલ જોવા મળ્યું હતું જેથી ગ્રાહકો ચોંકી ઉઠ્યા હતા અને ગ્રાહકો MGVCL કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા.

દરમિયાન MGVCLના અધિકારીઓ એ એપ્લિકેશન અપડેટને લઈ એરર આવ્યું હોવાનું જણાવવા ઉપરાંત આગામી દિવસોમાં પ્રિ પેઈડ વીજ મીટર ને પોસ્ટ પેઈડ સિસ્ટમ માં બદલવા અંગેની વિચારણા ચાલી રહી હોવાનું જણાવી સમજાવ્યા હતા. જોકે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી સમજાવટ થી પ્રિ પેઈડ વીજ મીટરના ગ્રાહકો ખૂબ જ નારાજ છે અને પોતાના જુના વીજ મીટર પરત ફીટ કરી આપવામાં આવે એવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કરી પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.
એક પ્રિ પેઈડ સ્માર્ટ વીજ મીટર ના મહિલા ગ્રાહક તો ત્યાં સુધી કહે છે કે સરકાર દ્વારા સ્માર્ટ મીટર લાવવામાં આવ્યું જે સારી બાબત હશે એમ સમજતાં હતા પરંતુ આ તો ઓવર સ્માર્ટ નીકળ્યું.વીજ વપરાશ નું સાચું બિલ આવે તો કોઈ જ તકલીફ નથી પરંતુ હજારો કે લાખ રૂપિયા બિલ બાકી બતાવે એ વ્યાજબી નથી.રજુઆત કરવા ગયા તો અધિકારી ઓફિસમાં જવા દેતા નથી અને એપ્લિકેશન પણ બંધ કરી દીધી છે જેથી અમને જુના વીજ મીટર પરત બેસાડી આપવામાં આવે.