- પંકજ પટેલ IIM-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન પણ છે
- 6.8 અબજ ડોલરની નેટવર્થ સાથે ભારતના ટોચના ધનિકોમાં 36મા સ્થાને
- ઝાયડસ કેડિલાના સ્ટેટ-ઓફ-ધ-આર્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં પ્રતિબિંબિત થાય
ભારતમાં ઘણા ખ્યાતનામ ઉદ્યોગપતિઓ છે, જેમની ધંધાકીય કુનેહ અને સાહસની ગાથા સેંકડો લોકોને જીવનમાં મોટું જોખમ લેવાની અને પોતાના સપના સાકાર કરવાની પ્રેરણા આપે છે. આજે આપણે આવા જ એક ઉદ્યોગપતિ પંકજ પટેલ વિશે વાત કરીશું, જેઓ અબજોપતિ બિઝનેસમેન છે. ભારતની પાંચમી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ લાઇફસાયન્સીસના ચેરમેન પંકજ રમણભાઇ પટેલ ફોર્બ્સ અનુસાર આજની (31 ડિસેમ્બર, 2023ની) સ્થિતિએ 6.8 અબજ ડોલર (અંદાજે 56,600 કરોડ રૂ.)ની નેટવર્થ સાથે ભારતના ટોચના ધનિકોમાં 36મા અને વિશ્વના ટોચના ધનિકોમાં 403મા સ્થાને છે. અમદાવાદ સ્થિત ઝાયડસ
લાઇફસાયન્સીસ હાલ અંદાજે 52,400 કરોડ રૂપિયાનું માર્કેટ કેપ ધરાવે છે. પંકજ પટેલ ગુજરાત યુનિવર્સિટીની ફાર્મસીમાં બેચલર અને માસ્ટર ડિગ્રી ધરાવે છે. તેમણે યુનિવર્સિટી ઓફ મુંબઇમાંથી સાયન્સ એન્ડ લૉમાં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી પણ મેળવેલી છે. અગાઉ કેડિલા હેલ્થકેર તરીકે ઓળખાતી ઝાયડસ લાઇફસાયન્સીસની સ્થાપના પંકજ પટેલના પિતા રમણભાઇ પટેલે 1952માં કરી હતી. 1951માં કરમસદમાં જન્મેલા પંકજ પટેલ માત્ર 8 વર્ષના હતા ત્યારે પણ તેમના પિતા સાથે ફેક્ટરીની મુલાકાતે જતા. તે મુલાકાતોના પરિણામે તેમને બિઝનેસ પ્રત્યે રૂચિ જાગી. પંકજ પટેલે 1976માં કેડિલા લેબોરેટરીઝનું સુકાન સંભાળ્યું હતું. 1995માં કંપનીના બે સ્થાપક પરિવારો અલગ થયા બાદ ઝાયડસ ગ્રુપ અસ્તિત્વમાં આવ્યું હતું. પંકજ પટેલ આઇઆઇએમ-ઉદયપુરના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન પણ છે. તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી તથા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સાથે પણ સંકળાયેલા છે.










