• તપાસનો ધમધમાટ : લગ્નજીવન ચાર જ માસનું હોઈ ડીવાયએસપીને તપાસ સોંપાઈ

  • અનાજ દળવાની ઘરઘંટીના ઇલેક્ટ્રિક બોર્ડને અડકી જતાં કરંટ પ્રસરી ગયો
  • બાયડ તાલુકામાં વીજકરંટ લાગવાથી 48 કલાકમાં ત્રીજું મૃત્યુ

બાયડ તાલુકામાં છેલ્લાં 48 કલાકમાં જ વીજકરંટથી મૃત્યુની ત્રીજી ઘટના બની છે. જેમાં જૂની વાસણી ગામે યુવાન પરિણીતાનું ઘરમાં સાફસફાઈ કરતી વેળાએ વીજકરંટ લાગવાથી મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે આંબલીયારા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આંબલીયારા પોલીસના જણાવ્યા પ્રમાણે, બાયડ તાલુકાના જૂનીવાસણી ગામે રહેતા પારૂલબેન પ્રિતેશકુમાર રાવલ (ઉ.વ.20)ના હજુ ચાર માસ પહેલા જ લગ્ન થયા હતા. આજે સવારે લગભગ 7:45 કલાકના સુમારે તેઓ પોતાના ઘરમાં સાફસફાઈ કરતા હતા. ત્યારે અનાજ દળવાની ઘરઘંટીના ઇલેક્ટ્રિક બોર્ડને સાફ કરવા જતાં કરંટ લાગ્યો હતો. તાત્કાલિક પરિણીતાને બાયડ ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. દંપતીનો લગ્નગાળો માત્ર ચાર જ માસનો હોઈ પ્રારંભિક તપાસ પીએસઆઈએ કર્યા બાદ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. બનાવની જાણ મૃતકના પતિએ આંબલીયારા પોલીસને કરી હતી. હાલમાં પોલીસે સીઆરપીસી 174 મુજબ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, છેલ્લાં 48 કલાકમાં વીજકરંટ લાગવાથી બાયડ તાલુકામાં આ ત્રીજુ મૃત્યુ નોંધાયુ છે. અગાઉ નાથાના મુવાડા ગામે યુવાનનું અને હઠીપુરા ગામે વૃદ્ધાનું વીજકરંટથી મૃત્યુ નીપજ્યું હતું.


  • Follow us on: