શુક્રવારે બપોરે પાટણ જીલ્લા કલેક્ટરના ઈમેઈલ આઈડી ઉપર એક અજાણ્યા ઈમેઈલ આઈડી ઉપર IED બ્લાસ્ટ થઈ શકે છે તેવી ગર્ભીત ચેતવણીરૂપે ધમકી આપતો ઈમેઈલ આવતાં આખી કચેરીમાં જાણે ધ્રુજારી આવી ગઈ હતી.
જીલ્લા કલેક્ટર તુરંત એક્શનમાં આવી ગયા હતા અને સૌ પ્રથમ કચેરીમાં કામ કરી રહેલાં 200 થી વધુ કર્મચારીઓને કચેરીના બહાર મોકલી દઈ તેમજ ઈમેઈલ અંગે પાટણ જીલ્લા પોલીસ અધિક્ષકને જાણ કરતાં બોમ્બ ડીટેક્શન અને ડૉગ સ્કવોર્ડ સાથે પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક, LCB, SOG સહિતની સ્થાનિક પોલીસની ટીમો કલેક્ટર કચેરી ખાતે પહોંચીને આખી કચેરીને બોમ્બ ડીટેક્શન કીટ દ્ધારા સ્કેનીંગ કરતાં કશુ વાંધાજનક ના મળતાં રાહતના શ્વાસ લીધા હતા.
શુક્રવારે પાટણ જીલ્લા કલેક્ટર કચેરીમાં રાબેતા મુજબની કામગીરી થઈ રહી હતી પરંતું બપોરે 1.45 કલાકે કલેક્ટરના ઈમેઈલ આઈડી ઉપર એક અજાણ્યા આઈડી ઉપરથી મેઈલ આવ્યો હતો કે કલેક્ટર કચેરીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં IED બોમ્બ બ્લાસ્ટ થઈ શકે છે તેથી કલેક્ટર અરવિંદ વિજયન દ્ધારા તાત્કાલીક પોલીસને જાણ કરાઈ હતી જેથી પાટણ જીલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી, LCB પી.આઈ. રાકેશ ઉનાગર, SOG પી.આઈ. જે.જી. સોલંકીની ટીમો સહિત પાટણ શહેર એ અને બી ડીવીઝન પોલીસની ટીમો તુરંત કલેક્ટર કચેરીએ પહોંચી હતી. કચેરીમાં કામ કરી રહેલા 200 થી વધુ કર્મચારીઓને પણ કચેરીના બહાર મોકલી દઈને બોમ્બ ડીટેક્શન અને ડૉગ સ્કવોર્ડ દ્ધારા આખી કચેરીને સ્કેન કરવામાં આવી હતી તેમજ કચેરીના કંપાઉન્ડમાં પડેલા વાહનોમાં પણ સ્કેનીંગ અને તપાસ કરાઈ હતી પરંતું કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી જેથી ઈમેઈલ માત્ર ધમકી પુરવાર થતાં હાજર સૌ કોઈએ મોટી રાહત અનુભવી હતી.
ઈમેલ આવ્યો હતો જેથી SOP મુજબ સ્કેનિંગ કરતાં કંઈ મળ્યું નથી : કલેક્ટર
પાટણ જીલ્લા કલેક્ટર અરવિંદ વિજયને આ બનાવ બાબતે નિવેદન આપ્યું હતું કે કલેક્ટરના ઈમેઈલ આઈડી ઉપર એક ઈમેઈલ આવ્યો હતો જેમાં બોમ્બ થ્રેટ ધમકી) જેવું લખ્યું હતું. જેમાં લખ્યું હતું કે આજે 3 વાગ્યા પહેલાં IED બ્લાસ્ટની સંભાવના છે. ડોમેઈન વાળો મેઈલ નથી થર્ડ પાર્ટી ઈમેઈલ આવ્યો હતો. બેઝીક સાવચેતીના SOP પ્રમાણે તપાસ કરાવી છે કોઈ ગભરાવવાની વાત નથી.IED જેવું કંઈ મળી આવ્યું નથી પરંતું કચેરીમાં 200 થી વધુ માણસ હોય તો બધાને ક્લીયર કરવા માટે બેઝીક SOP પ્રમાણે થઈ રહ્યું છે.
ફાયર ફાઇટર અને એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી
પાટણ કલેકટર કચેરીને બૉમ્બથી ઉડાવી દેવાની મળેલ ધમકીને લઈને જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા વિવિધ ટીમને કામે લગાવવામાં આવી હતી. જેમાં પાટણ નગરપાલિકાના ફાયર ફાઇટર તેમજ એમ્બ્યુલન્સને પણ સ્ટેડબાય રાખવામાં આવી હતી પરંતું સદનસીબે આ સેવાઓનો ઉપયોગ કરવો પડયો નહોતો અને ઈમેઈલ માત્ર એક ધમકી જ સાબિત થયો હતો.