હારીજ નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વિવાદના વંટોળમાં રહેલી છે તેમજ હારીજ ખાતે ભુગર્ભ ગટરો ઉભરાતા ઠેર ઠેર ગંદકીના કારણે સ્વચ્છતા સામે પણ સવાલો ઉભા થતાં હોય છે. જ્યારે સ્વચ્છતા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે તેવા સફાઇ કામદારો નો નગરપાલિકા દ્વારા સમયસર પગાર ન કરવાના કારણોસર છેવટે હડતાળનો માર્ગ અપનાવી નગરપાલિકા સામે રોષ વ્યક્ત કર્યો છે. હારીજ નગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા 60 જેટલા કામદારોનો પગાર છેલ્લા ત્રણેક મહિનાથી ન થયો હોવાનું એક સફાઇ કામદારે જણાવ્યું હતું. હારીજ નગરપાલિકા ખાતે શહેરને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે 60 જેટલા સફાઇ કામદારો ફરજ બજાવે છે પરંતુ તેમની કામગીરી ના મહેનતાણા રૂપે સમયસર પગાર નહીં ચુકવાતા સફાઇ કામદારોમાં રોષ ભભુકી ઉઠતા આખરે હડતાળ પર ઉતર્યા હતા. આ બાબતે એક સફાઇ કામદારે જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનામાં એક વખત પગાર ચુકવવામાં આવ્યો છે. ત્યારથી પગારની નગરપાલિકા દ્વારા ચુકવણી કરવામાં નથી આવી તો સામાન્ય કામદારનું ઘર કેવી રીતે ચાલે. સફાઈ કામદારો પોતાની ફરજ સમજીને પગાર ન થવા છતાં પણ અત્યાર સુધીમાં શહેરમાં સાફ્સફઈ ચાલું રાખી હતી પરંતુ તેમ છતાં નગરપાલિકા દ્વારા પગાર નથી ચુકવાયો તેથી આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. હવે સત્વરે ત્રણેક મહિનાનો બાકી પગાર ચુકવવામાં આવે તેવી માંગ સફાઇ કામદારોએ? કરતા આખરે કામદારો અને પાલીકા વચ્ચે બેઠક મળી હતી જેમાં ઉપપ્રમુખે સફાઇ કામદારોને અઠવાડિયામાં પગાર ચુકવવાની હૈયાધારણ આપતા હડતાળ સમેટાઈ ગઈ હતી.
પાલિકા કર્મીઓ હડતાળ કરે પણ તૂંડ મિજાજી ચીફ ઓફિસર કોલ રિસિવ ના કરે










