વઢીયાર પંથકના શંખેશ્વર - પંચાસર વચ્ચે આવેલ રૂપેણ નદીના પુલ ઉપર વહેલી સવારે થરાથી રાજકોટ જતી એસટી બસ અને વિરમગામ તલફ્થી આવતી ઈક્કો વચ્ચે રૂપેણ નદીના પુલ ઉપર અકસ્માત સર્જાયો હતો જોકે એસટી બસના ડ્રાયવરે સમય સુચકતા વાપરતાં બસ 30 ફુટ ઉંડી નદીમાં ખાબકે તે પહેલાં એસટી બસના ડ્રાયવરે સ્ટેરીંગ પર કાબુ મેળવ્યો હતો અને બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતમાં બસ અને ઈકોને નુકસાન થયું હતુ આથી એસટી બસના ડ્રાઈવરે નુકસાની સર્વે માટે હારીજ ડેપોમાં જાણ કરતાં સામેથી જવાબ મળ્યો હતો કે અમારામાં આવતુ નથી. વિરમગામ ફોન કરો.


આથી બસના ડ્રાઇવરે વિરમગામ ડેપોમાં જાણ કરી હતી. આમ બંન્ને ડેપોના વિવાદ વચ્ચે બસમાં પેસેંન્જરો અટવાયાં હતાં. એસટી ડ્રાઈવરે જણાવ્યું હતું કે મારો કોઈ વાંક નથી. અહીંથી બસ ઉપાડુ તો રીકવરી મારે ભરવી પડે. અકસ્માતનો બનાવ શનિવારે સવારે 6.10 કલાકે બન્યો હતો અને ડ્રાઇવરે હારીજ તેમજ વિરમગામ એસટી ડેપોમાં સર્વે માટે જણાવ્યું હતું તેને ત્રણથી ચાર કલાક જેટલો સમય થવા છતાં એસટી નિગમના સર્વેયર ઘટના સ્થળે પહોંચ્યા નહોતા. આમ બંન્ને એસટી ડેપોના વિવાદ વચ્ચે મુસાફરોને કાળઝાળ ગરમીમાં રસ્તે રઝળવાનો વારો આવ્યો હતો. જેના પગલે એસટી તંત્રની લાલિયાવાડી સામે મુસાફરોમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી. આ ઉપરાંત ઈકો કારના ચાલક એસટી બસને થયેલા નુકસાનીનો ખર્ચ આપવા તૈયારી પણ બતાવી હતી. માત્ર સર્વેના વાંકે મુસાફરોને પરેશાની ભોગવવાનો વારો આવ્યો હતો. અંતે સમગ્ર મામલે મહેસાણા એસટી ડીવીઝનમાં જાણ કરતાં વિરમગામ ડેપોના સર્વેયર શંખેશ્વર આવવા રવાના થયા હોવાનું જાણવા મળ્યું હતુ.


  • Follow us on: