પાટણ જિલ્લા સહિત સમગ્ર રાજ્યભરમાં જૂન 2025ના નવા શૈક્ષણિક સત્રના પ્રારંભની ઘડીઓ ગણાઈ રહી છે. નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ પૂર્વે પાટણ શહેરમાં ચોપડા, નોટબુક અને સ્કૂલ યુનિફોર્મની ખરીદીનો ધમધમાટ ધીમા પગલે શરૂ થયો છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સ્ટેશનરી સહિત સ્કૂલ યુનિફોર્મના ભાવમાં વધારો થતાં વાલીઓના ખીસ્સા પર આર્થિક બોજો પડશે.
35 દિવસ બાદ ઉનાળુ વેકેશન 8 જૂનના રોજ પૂર્ણ થઈ રહ્યું છે. તા. 9 જૂન સોમવારથી જૂન માસના નવિન શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પાટણ જિલ્લાની શાળાઓ બે લાખ કરતા વધુ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠશે. શાળાઓમાં વેકેશન પૂર્ણ થયા બાદ સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ શાળાએ જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. જોકે પાટણ શહેર સહિત જિલ્લાના વાલીઓ માટે નવું શૈક્ષણિક વર્ષ ખીસ્સા પર ભાર વધારનારુ બની રહેશે. એક તરફ ખાનગી શાળાઓમાં ફીના કારણે વાલીઓ પહેલેથી જ આર્થિક બોજા તળે આવી ગયા છે તો ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે નોટબુકો અને ચોપડાઓ સહિત સ્ટેશનરીના ભાવમાં 30થી 35 ટકાના તોતીંગ ભાવ વધારાના કારણે વાલીઓ માટે સ્કૂલ શરૂ થતા પૂર્વેની તૈયારીઓ પણ મોંઘી બની રહી છે.










