પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં શનિવારે MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવકનું મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે. ધારપુર મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક સિનિયર વિદ્યાર્થીઓ દ્ધારા કરાયેલા રેગિંગને કારણે જ પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરતાં આ મામલે તપાસ શરૂ થઈ છે.
MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના જેસડા ગામમાં રહેતા અનિલકુમાર નટવરભાઈ મેથાણીયાએ થોડાક સમય અગાઉ જ આ કોલેજમાં એડમીશન લીધુ હતુ, માત્ર 18 વર્ષના અનિલનું કોલેજમાં જ મોત નીપજતાં પરિવારે રેગિંગના આરોપ લગાવ્યા છે. કોલેજમાંથી મળતી વિગતો અનુસાર કોલેજમાં અભ્યાસ કરતા સિનિયર વિદ્યાર્થીઓ ઈન્ટ્રોડક્શનને નામે રેગિંગ કરતા હતા તે સમયે જ અનિલ બેહોશ થઈ ગયો હતો અને સારવાર દરમ્યાન તેને મૃત જાહેર કરાયો હતો. આ મામલે પોલીસે ધારપુર મેડીકલ કોલેજમાં તપાસ શરૂ કરી છે. બાલીસણા પોલીસ મથકના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર અનિલ મેથાણીયા MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. ઈન્ટ્રોડક્શન ચાલતું હતું તે દરમ્યાન તેને ચક્કર આવતાં બેહોશ થઈ ગયો હતો અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે આ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અહેવાલ માંગ્યો છે. બીજી તરફ આ ઘટનામાં રેંગિગ પહેલાની ચેટ પણ સામે આવી છે. વોટ્સએપ ગ્રુપ થયેલી ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઇ રહી છે. જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરાયા છે તેની પણ તપાસ થશે.










