પાટણ શહેરમાં હજુ તો ઉનાળાની સિઝન શરૂ થઈ છે એવામાં જ ગરમીનો પ્રકોપ એકદમ વધી રહ્યો છે. મંગળવારે તાપમાન સવારે નીચામાં 20 ડિગ્રી અને બપોરે 42 ડીગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ બપોરે 1 થી 4 વાગ્યા સુધી તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
મંગળવારે સવારથી જ દોઢ ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો ઊંચો નોંધાયો છે. આકરી ગરમીના કારણે બપોરના સમયે બજારોમાં અવરજવર ઓછી જોવા મળી રહી હતી. સાંજે 5 વાગ્યા હોવા છતાં 40 ડીગ્રી ગરમી નોંધાઇ હતી. બપોરે લોકો અનિવાર્ય કારણોસર બહાર નીકળવું પડયું હોય તેઓ ગરમીથી બચવા માટે મોં પર રૂમાલ બાંધીને નીકળી હતા. તો યુવતીઓ ઓઢણીનો ઉપયોગ કરી ગરમીથી બચવાનો પ્રયાસ કરતા જોવા મળી હતી. રાહતની વાત એ છે કે મોડી સાંજે વાતાવરણમાં ઠંડક પરત ફરશે, જેનાથી લોકોને ગરમીમાંથી થોડી રાહત મળશે. તો ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લેતા જોવા મળ્યા હતા.










