શનિવારે મોડી રાત્રે સિદ્ધપુરમાં હાઈવે ઉપર આવેલા ખળી ચાર રસ્તા નજીક એક ઈંડાની લારી ઉપર નજીવી બાબતમાં થયેલી એક બબાલે મોટું સ્વરૂપ ધારણ કરી લેતાં એક યુવકની હત્યા થઈ છે.


ઈંડાની લારી ઉપર ચાલતી બબાલમાં પોતાના મામાનું ઉપરાણું લઈને ગયેલા ભાણેજને આરોપી શખ્સે છરીના ઘા ઝીંકતા ઈજાગ્રસ્ત યુવતને સારવાર હેઠળ ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુર હાઈવે ઉપર આવેલા ખળી ચાર રસ્તા નજીક વાલાજી અમુજી ઠાકોરની ચાની દુકાન આવેલી છે જ્યાં તેમનો પુત્ર શૈલેન્દ્રસિંહ અને ભાણેજ કેશરસિંહ તલસંગજી ઠાકોર પણ હાજર હતા તે સમયે નજીકમાં આવેલી ઈંડાની લારી પાસે સિદ્ધપુરના દેથળીનો વિશાલ ભરતજી ઠાકોર નામનો શખ્સ વાલાજી ઠાકોર સાથે બબાલ કરતો હોવાથી શૈલેન્દ્રસિંહ અને કેશરસિંહ પણ ત્યાં ગયા હતા અને બબાલ ના કરવા માટે કહેતાં વિશાલ ઠાકોરે ઉશ્કેરાઈ જઈને શૈલેન્દ્રસિંહ અને કેશરસિંહને છરીના ઘા ઝીંક્યા હતા. જેમાં શૈલેન્દ્રસિંહને સામાન્ય ઈજાઓ થઈ હતી પરંતુ કેશરસિંહને ગંભીર ઈજાઓ થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા અને તેઓને 108 એમ્બ્યુલન્સ બોલાવી તાત્કાલીક સારવાર અર્થે સિદ્ધપુર સિવિલમાં લઈ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવારની જરૂર હોવાથી સિદ્ધપુરની બાલાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં કેશરસિંહ તલસંગજી ઠાકોરનું મોત નીપજી ગયું હતું. આ મામલે સિદ્ધપુર પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી હત્યા કર્યા બાદ સારવાર માટે હોસ્પિ. ગયો

ઉલ્લેખનીય બાબત છે કે, આ મારામારી થયા બાદ આરોપી વિશાલ ભરતજી ઠાકોર નામનો યુવક પણ સારવાર લેવાના બહાને હોસ્પિટલમાં પહોંચી ગયો હતો તો સામે પક્ષે કેશરસિંહનું સારવાર દરમિયાન મોત નીપજતાં સિદ્ધપુર પોલીસે આરોપી વિશાલ ઠાકોરની હોસ્પિટલમાંથી જ ધરપકડ કરી લીધી હતી.

આરોપી વિશાલ ઠાકોરને ટોળાએ મેથીપાક ચખાડયો

ખળી ચાર રસ્તા નજીક થયેલ આ બબાલમાં વિશાલ ભરતજી ઠાકોરે કેશરસિંહ અને શૈલેન્દ્રસિંહને છરીના ઘા મારતાં બંન્નેને ઈજાઓ થઈ હતી. બબાલ થતાં આસપાસમાંથી લોકો પણ એકઠા થયા હતા અને છરીથી હુમલો કરનાર વિશાલ ભરતજી ઠાકોરને ટોળાએ મેથીપાક પણ ચખાડયો હતો.

આરોપી યુવકનો ગુનાહિત ઈતિહાસ : અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા

પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ, આ ઝઘડામાં છરીથી હુમલો કરનાર વિશાલ ભરતજી ઠાકોરનો અગાઉથી જ ગુનાહિત ઈતિહાસ રહેલો છે જેના ઉપર અગાઉ પણ વિવિધ મામલે ગુનાઓ નોંધાયેલા છે.

  • Follow us on: