- યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો
- પરિસરમાં તિરંગા લઈ માઈભક્તો ગરબે ઘૂમ્યા
- જય માતાજી સાથે ભારત માતા કી જયના જયઘોષ
પંચમહાલ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દેશભક્તિનો માહોલ જામ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં માતાજીના નિજ મંદિર પરિસરમાં 78માં સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

પાવાગઢમાં મહાકાળી માતાજીના નિજ મંદિર પરિસરમાં માઈભક્તો દેશભક્તિના ગીતો પર મન મૂકીને ઝુમ્યા હતા. પરિસરની અંદર હાથમાં તિરંગા લઈ માઈભક્તો ગરબે ઘૂમ્યા હતા. જગતજનની મહાકાળી માતાજીના દર્શન સાથે દેશભક્તિમય આહલાદક વાતાવરણમાં માઇભક્તોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ જય માતાજી સાથે ભારત માતા કી જયના જયઘોષથી પાવાગઢ ડુંગર ગુંજી ઉઠ્યો હતો.
વાહન પાર્કિંગ માટે ત્રણ કી.મી. લાંબી લાઈન લાગી
આજે દેશભરમાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું મહાકાળી માતાજીનું મંદિર પણ રાષ્ટ્રભક્તિના રંહે રંગાયું હતું. વહેલી સવારે તિરંગા સાથે મંદિરે આવેલા ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરી તિરંગો લઇ મંદિરની પ્રદક્ષિણા કરતા જોવા મળ્યાં હતા. તો સવારે નિજ મંદિરના દ્વાર ખોલી માતાજીની પૂજા કરી મંદિર પરિસરમાં રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું.

મહાકાળી માતાજીનું મંદિર પણ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાયું
હર ઘર તિરંગા અભિયાનમાં મહાકાળી માતાજી મંદિર પાવાગઢના ટ્રસ્ટીઓ અને માઈભક્તો પણ જોડાયા હતા. મંદિરને તિરંગા અને કલરફુલ ગુબ્બારાઓથી શણગારી અહીં દર્શનાર્થે આવતા ભક્તોમાં ભક્તિ, આસ્થા અને શ્રદ્ધા સાથે રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો પ્રયાસ મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં ભક્તો દ્વારા તિરંગો લહેરાવી સૌએ રાષ્ટ્રગીત ગાયું હતું.
ભક્તોની ભીડથી મંદિરમાં જામ્યો નવરાત્રી જેવો માહોલ
મહાકાળી મંદિર ટ્રસ્ટ સાથે જોડાયેલા અને અહીં સેવાઓ આપતા કર્મચારીઓ હાથમાં તિરંગો લઈ મહાકાળી મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને ગરબે ઘૂમ્યા હતા. ભક્તો પણ હાથમાં તિરંગો લઈ મંદિર પરિસરમાં સેલ્ફી લેતા નજરે પડ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે યાત્રાધામ પાવાગઢનો વિકાસ થતા અહીં આવતા ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે મંદિરનું નવીનીકરણ કરવામાં આવ્યા પછી અહીં આવતા ભક્તોની સગવડ અને સુવિધાનો વિશેષ ખ્યાલ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવી રહ્યો છે. ત્યારે 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરમાં ભક્તો સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાવતા ભક્તો પણ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રગીતમાં જોડાયા હતા. જેથી સમગ્ર મંદિર પરિસર રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાયું હતુ. જ્યારે હાલ ચોમાસાની સીઝન ચાલતી હોવાથી પાવાગઢ મંદિર પરથી કુદરતી સૌંદર્ય નિહાળવાનું લાવો પણ ભક્તો માટે અનેરો રહ્યો હતો. ધુમ્મસવાળું વાતાવરણ આહલાદક લાગી રહ્યું હતું.










