ભાવનગર રેલવે મંડળ દ્વારા સિંહો/વન્યજીવોના સુરક્ષા માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરતી વખતે વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલવે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીમાં કુલ 157 સિંહોના જીવ બચાવાયા છે.


ટ્રેક પર બેઠી હતી 2 સિંહણ

ભાવનગર ડિવિઝનના સિનીયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર માશૂક અહમદે જણાવ્યું હતું કે 19.03.2025 (બુધવાર)ના રોજ લોકો પાયલોટ સંતોષ કુમાર (મુખ્યાલય-જૂનાગઢ) અને સહાયક લોકો પાયલટ ભરત શર્મા દ્વારા ચલાળા-ધારી સેક્શનમાં કિ.મી. સં. 51/0-51/1 વચ્ચે રેલવે ટ્રેક પર 02 સિંહણને બેઠેલી જોતા ટ્રેન નંબર 52930 અમરેલી-વેરાવળ પેસેન્જર ટ્રેનને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવીને અટકાવવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. ફોરેસ્ટ ટ્રેકર દ્વારા ટ્રેક ક્લિયર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ, જ્યારે તમામ સ્થિતિ સામાન્ય જોવા મળી, ત્યારે લોકો પાઇલટને ફોરેસ્ટ ગાર્ડ/ટ્રેકર દ્વારા પ્રસ્થાન કરવાનું કહેવામાં આવ્યું. ત્યારપછી ટ્રેનને લોકો પાયલટ દ્વારા કાળજીપૂર્વક ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર, એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.

લોકો પાયલોટને અપાઈ છે સ્પેશિયલ સૂચના

પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝન દ્વારા સિંહોને ટ્રેનની અડફેટે આવતા બચાવવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે. ડિવિઝનલ રેલવે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ડિવિઝન દ્વારા સ્પીડ કંટ્રોલ માટે લોકો પાયલોટને કડક સૂચના આપવામાં આવી છે. તેમને ઢસાથી પીપાવાવ, ગાધકડાથી વિજપડી, રાજુલા સિટીથી પીપાવાવ પોર્ટ અને રાજુલાથી મહુવા સેક્શન જેવા વનવિસ્તારોમાં ખાસ કાળજી રાખવા અને હોર્ન વગાડવા અને ઝડપ મર્યાદા નિયંત્રણમાં રાખવા સૂચનાઓ આપવામાં આવી છે, જેનું લોકો પાઇલોટ્સ દ્વારા પાલન કરવામાં આવી રહ્યું છે.સિંહો રેલવે ટ્રેકની નજીક હોવાની સ્થિતિ જાણવા મળે છે ત્યારે રેલવે પ્રશાસન દ્વારા સાવચેતીના આદેશો જારી કરવામાં આવે છે. રેલવે ટ્રેક નજીક સિંહોની હિલચાલ પર વન વિભાગ અને રેલવે પ્રશાસન દ્વારા બારીકાઈથી નજર રાખવામાં આવી રહી છે.

  • Follow us on: