ઉનાળો પરાકાષ્ટાએ છે અને આકરી ગરમી પડી રહી છે. છેલ્લા એક અઠવાડિયાથી તો ઉત્તર ગુજરાતમાં સતત 40 ડિગ્રીને પાર મહત્તમ તાપમાન નોંધાઈ રહ્યુ હોય લોકો કાળઝાળ ગરમીમાં તોબાહ પોકારી ઉઠયા છે.
આ મહિનાના અંતમાં અને મે મહિનામાં હજુ આકરી ગરમી પડી શકે છે. બીજી તરફ આગામી દિવસોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થશે. પરિણામે વાદળછાયું વાતાવરણ,કમોસમી વરસાદ અને અમુક દિવસોમાં ગરમીનો પ્રકોપ પણ રહી શકે છે.
આ વર્ષે ઉનાળાની શરૂઆત વહેલી થઈ હતી અને હોળીના સમયગાળાથી જ કાળઝાળ ગરમી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમુક વખત મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો રહે છે. તે સિવાય આકાશમાંથી અંગારા વરસતા હોય તેવી ગરમી સમગ્ર એપ્રિલ મહિનામાં પડી છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત મહત્તમ તાપમાન 40 ડિગ્રીને આંબી રહ્યુ છે. હજુ પણ આગામી દિવસોમાં તાપમાન ર થી 3 ડિગ્રી વધી શકે છે અને ગરમીમાં વધારો નોંધાઈ શકે છે. ગરમીના પ્રકોપના કારણે બપોરના સમયે માર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે. સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લીમાં આગ ઓકતી ગરમી પડી રહી છે. જો કે ચોમાસાને આડે હવે દોઢેક મહિનો બાકી છે. ત્યારે મે મહિનામાં જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે. આ વર્ષે જે રીતે ઉનાળો સમસર શરૂ થયો હતો તેમ ચોમાસુ પણ નિયત સમયે અથવા તો તે પહેલાં જ શરૂ થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે. જો કે ચોમાસુ મંડાય તે પહેલાં મે મહિનામાં મોટાભાગના દિવસોમાં કાળઝાળ ગરમી પડશે. અમુક દિવસોમાં હીટવેવની પણ સ્થિતિ જોવા મળે તેવી વકી રહેલી છે.
મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે
એક તરફ ઉનાળો આકરો જામ્યો છે અને મહત્તા તાપમાન 40 ડિગ્રીને પાર જતાં કાળઝાળ ગરમી પડી રહી છે. જો કે હવે એપ્રિલ મહિનાના અંતમાં જ હવામાનમાં પલટો આવવાની શક્તાઓ છે. હવામાનના જાણકારોના મતે મે મહિનાની શરૂઆતથી જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ જશે. 3 મે થી 11 મે વચ્ચે માવઠાની શક્તાઓ પણ રહેલી છે. આ સમયગાળા દરમ્યાન આંધી આવે તેવી પણ શક્યતાઓ વ્યકત કરવામાં આવી રહી છે. ત્યાર બાદ પણ મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે.