સુરતના કાપોદ્રામાં હત્યાના બનાવને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. શાકભાજીના વેપારીનું અપહરણ કર્યાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે. સાત એપ્રિલે શાકભાજીનો વેપારી સુરતથી ગુમ થયો હતો અને તેનો મૃતદેહ ઓલપાડથી મળ્યો હતો. આ ઘટનાને લઈને સુરતમાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.
શાકભાજીના વેપારીનું અપહરણ થયા બાદ હત્યા કરાઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના કાપોદ્રામાં શાકભાજીના વેપારીનું અપહરણ થયા બાદ તેની હત્યા થયાનો ખુલાસો થતા જ તેના પરિવારે હોબાળો મચાવ્યો હતો. કાપોદ્રા પોલીસની કામગીરી પર પરિવારજનોએ સવાલો ઉભા કર્યા હતાં. વેપારી ગુમ થયા બાદ પરિવારે પોલીસ પાસે 10 દિવસ સુધી મદદ માંગી હતી. પોલીસે યોગ્ય તપાસ કરી હોત તો વેપારી આજે જીવીત હોત તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે.
વેપારી પ્રમોદ ચૌધરી સાતમી એપ્રિલે ગુમ થયા હતાં
સુરતના કાપોદ્રામા શાકભાજીના વેપારી પ્રમોદ ચૌધરી સાતમી એપ્રિલે ગુમ થયા હતાં. ત્યાર બાદ પરિવારે પોલીસને ગુમ થયા અંગે જાણ કરી હતી. આ ઘટના બાદ પ્રમોદ ચૌધરીનો મૃતદેહ ઓલપાડથી મળી આવ્યો હતો. પરિવારે કાપોદ્રા પોલીસને ગુમ થયા અંગેની જાણ કરી હતી પરંતુ પોલીસે યોગ્ય તપાસ નહીં કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૃતક પ્રમોદ ચૌધરીનો સાળો એક યુવતીને ભગાડી ગયો હતો. યુવતીના પરિજનોએ પ્રમોદ ચૌધરીને ઉઠાવી જવાની ધમકી આપી હતી. મૃતકના પરિવારે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે ભારે કલ્પાંત કર્યો હતો.
પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
કાપોદ્રા વિસ્તારમાં સ્થિતિ તંગ થતાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લોકોએ કાપોદ્રા પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતાં. મહિલાઓએ આરોપીને ફાંસી આપોના જેવા સુત્રોચ્ચાર કર્યા હતાં. કથળતી કાયદો અને વ્યવસ્થા માટે લોકોએ પોલીસ સામે સવાલો ઉભા કર્યા હતાં. પોલીસની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં સ્થિતિ નિયંત્રણમાં છે અને સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.









